કોરોનાના દરદીઓ માટે વિશ્વમાં સૌથી મોટા પ્લાઝમા થેરેપીના પ્રકલ્પનું ઉદ્ઘાટન

મુંબઈ, તા. 29 (પી.ટી.આઈ.): કોરોનાના દરદીઓની સારવાર માટે મહારાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં પ્લાઝમા થેતેપીના દ્યોગના પ્રકલ્પનો શુભારંભ આજથી મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેના હસ્તે કરવામાં આવ્યો છે.
મુખ્યપ્રધાન ઠાકરેએ રાજ્યની 23 મેડિકલ કૉલેજમાં પ્લાઝમા થેરેપીની સુવિધાનો પ્રારંભ કરાવ્યો હતો. ઠાકરેએ કોરોનાને પરાભૂત કરીને સાજા થયેલા દરદીઓને અપીલ કરી હતી કે તેઓ કોરોનાના અન્ય દરદીઓને સાજા કરવા માટે પ્લાઝમાનું દાન કરવા પ્રયત્ન કરે.
મહારાષ્ટ્રના તબીબી શિક્ષણ ખાતાના અધિકારીઓએ આ પ્રકલ્પને વિશ્વમાં આ પ્રકારની સહુથી મોટી પહેલ સમાન ગણાવ્યો છે. કોન્વલેસન્ટ પ્લાઝમા થેરેપીને પેસીવ એન્ટીબોડી થેરેપી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમાં કોરોનાની બિમારીમાંથી સાજા થયેલા દરદીના શરીરના લોહીમાંથી પ્લાઝમા કાઢીને તેને કોરોનાની સારવાર હેઠળના દરદીઓને આપવામાં આવે છે. આ પ્રકલ્પને `પ્લેટીના' નામ આપવામાં આવ્યું છે. આ પ્રકલ્પ વડે કોરોનાની ગંભીર બિમારીમાં પટકાયેલા લગભગ 500 દરદીઓની જિંદગી બચાવી લેવાની નેમ રાખવામાં આવી છે. કોરોનાની ગંભીર બિમારીમાં પટકાયેલા બધા દરદીઓને કોન્વલેસન્ટ પ્લાઝમાના 200 મિ.લિ. બે ડૉઝ વિનામૂલ્યે આપવામાં આવશે.
Published on: Tue, 30 Jun 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer