નોકરીધંધા કે તબીબી કારણો વિના લાંબા પ્રવાસની છૂટ નહીં

માસ્ક નહીં પહેરનારાઓને રૂા.1000નો દંડ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 29 : મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે કોરોનાના ઉપદ્રવને કારણે લાગુ પાડવામાં આવેલા લૉકડાઉનને આવતી 31મી જુલાઈ સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. જોકે અર્થતંત્રને ગતિ આપવાની ગણતરીથી કેટલીક છૂટછાટો આપવામાં આવી છે. વધુમાં કોરોનાના રોગચાળાને અંકુશમાં રાખવા માટે કેટલાંક નિયંત્રણો પણ મૂકવામાં આવ્યા છે.
મહારાષ્ટ્ર સરકારે લૉકડાઉનના સમયગાળામાં નોકરીધંધાના સ્થળે જવા સિવાય અન્ય કામો માટે બિનનિયંત્રિત પ્રવાસ ઉપર અંકુશો મૂક્યા છે. જોકે માનવતાના ધોરણે કરવા જેવા કામો (તબીબી કારણો સહિત) માટે અમર્યાદિત પ્રવાસની છૂટ આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે આપેલા આદેશ અનુસાર જાહેરસ્થળોએ, નોકરીધંધાની જગ્યાએ તેમજ પ્રવાસ દરમિયાન માસ્ક પહેરવાનું ફરજિયાત છે. જાહેરસ્થળોએ કમસેકમ બે વ્યક્તિઓ વચ્ચે છ ફૂટનું અંતર રાખવું આવશ્યક છે. દુકાનદારે દુકાનમાં ગ્રાહકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે જોવું અને દુકાનમાં એક સાથે પાંચ કરતાં વધુ ગ્રાહકો હોય નહીં તેની પણ તકેદારી રાખવી. લગ્નસંબંધી કાર્યક્રમો 50 કરતાં વધુ મહેમાનો હાજરી આપી શકશે નહીં. મૃત વ્યક્તિની અંતિમવિધિમાં પણ 50 કરતાં વધુ વ્યક્તિઓ હાજર રહી નહીં શકે. જાહેર સ્થળોએ થૂંકવા બદલ દંડ ચૂકવવો પડશે. જાહેર સ્થળોએ શરાબ, પાન કે તમાકુ વગેરેનું સેવન કરવાની મનાઈ છે.
મુંબઈ મહાપાલિકાના આયુક્ત ઇકબાલસિંહ ચહલએ કોરોના ઉપદ્રવને અંકુશમાં રાખવા માટેઅ ાજે આદેશ બહાર પાડીને માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. જેઓ માસ્ક નહીં પહેરે તેઓએ રૂા. 1000નો દંડ ચૂકવવો પડશે. આ આદેશ અનુસાર રસ્તા, કચેરીઓ, દુકાનો, બજાર, દવાખાના અને હોસ્પિટલ જેવાં જાહેર સ્થળોએ ફરતા નાગરિકોએ માસ્ક પહેરવું ફરજિયાત છે. ખાનગી કે જાહેર વાહનમાં પ્રવાસ કરનારા તેમજનોકરીધંધાના સ્થળે પણ માસ્ક પહેરવું ફરજિયાત છે.
નોકરીધંધાની જગ્યા અંગે વધુ નિર્દેશો
મહારાષ્ટ્ર સરકાર તરફથી જણાવવામાં આવ્યું છે કે શક્ય હોય ત્યાં સુધી `વર્ક ફ્રોમ હોમ'ની પ્રણાલી અનુસરવી, અૉફિસો, દુકાનો, બજાર, ઉદ્યોગો અને વેપારી પ્રતિષ્ઠાનોમાં કામકાજનો સમય સ્ટેગરિંગ રાખવાની પ્રણાલીનું અનુસરણ કરવું જોઈએ. નોકરીધંધાની જગ્યામાં થર્મલ, સ્કેનિંગ, હાથ ધોવા અને સેનીટાઈઝરની સગવડ પ્રવેશ અને 
બહાર નીકળવાની જગ્યા ઉપર ઉપલબ્ધ કરાવવી જોઈએ.
મુંબઈમાં કરફ્યુ યથાવત
સરકારની માર્ગદર્શિકા પ્રમાણે મુંબઈમાં અગાઉ રાત્રે આઠથી સવારે સાત વાગ્યા સુધીનો કરફ્યુ લાદવામાં આવ્યો છે તે યથાવત રખાયો છે, તેથી આ કરફ્યુના સમય દરમિયાન લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળવું. માત્ર જરૂરી મંજૂરીઓ ધરાવતા વાહનો તેમ જ આવશ્યક સેવા ક્ષેત્રના કર્મચારીઓ અને લોકો જ આ સમય દરમિયાન શહેરમાં આવ-જા કરી શકશે. દરમિયાન આજે સાંજે મધ્ય મુંબઈના વરલીમાં સ્ટ્રીટ લાઇટો બંધ થઇ જતા ટ્રાફિક અને લોકો પરેશાન થયાં હતા. મોડી રાત્રે લાઇટો ફરીથી શરૂ થઇ હતી.
Published on: Tue, 30 Jun 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer