વીજળીનાં બિલે આપ્યા બૉલીવુડ સ્ટાર્સને આંચકા

વીજળીનાં બિલે આપ્યા બૉલીવુડ સ્ટાર્સને આંચકા
મુંબઈ, તા 29 : કોરોના વાઇરસને કારણે જાહેર કરાયેલા લૉકડાઉનને પગલે થોડા મહિનાથી લોકોની સાથે સેલિબ્રીટીઝ પણ મોટાભાગે ઘરે જ સમય વીતાવી રહી છે. અનિવાર્ય સંજોગોમાં જ ઘરની બહાર નીકળતા હોવા છતાં અનલૉકમાં આમ આદમીની સાથે અનેક કલાકારોને વીજ કંપનીએ 440 વૉલ્ટના આંચકા આપ્યા છે. વીજળીના બિલ જોઈ બૉલિવુડ સેલેબ્સ હેરાન-પરેશાન છે. જેમને લાઇટના તાતિંગ બિલ આવ્યા છે એમાં તાપસી પન્નુ, રેણુકા શહાણે, ડિનો મોરિયા સહિત અનેક કલાકારો બેફામ બિલ આવતા સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. 
તાપસી પન્નુએ ટ્વીટર પર લાઇટના બિલનો ક્રીનશોટ શેર કરવાની સાથે લખ્યું હતું કે, લૉકડાઉનના ત્રણ મહિના થયા છે ત્યારે હું વિચારી રહી છું કે આ સમયગાળા દરમ્યાન મેં એવા ક્યા ઉપકરણોનો ઉપયોગ કર્યો છે કે 35,890 રૂપિયા જેટલું તાતિંગ બિલ આવ્યું. તમે કેવી રીતે બિલ બનાવી રહ્યા છો? 
તાજ્જુબ કરનારી વાત એ છે કે આ એવા ફ્લેટનું બિલ છે જ્યાં કોઈ રહેતું પણ નથી. તાપસીએ લખ્યું કે, આ ફ્લેટ અઠવાડિયામાં એકવાર સાફસફાઈ માટે ખોલવામાં આવે છે. હવે મને એવી ચિંતા થાય છે કે ત્યાં કોઈ રહેતું તો નથીને. શું ખબર તમે અમને હકીકતની જાણ કરી હોય. 
તાપસીની ફરિયાદને પગલે અદાણી મુંબઈ લિમિટેડના પ્રવક્તાએ જણાવ્યું કે ફરિયાદ મળતા અમે મીટરના રાડિંગની તપાસ કરી જે યોગ્ય હોવાનું જણાયું. 
બૉલિવુડની અન્ય એક અભિનેત્રી રેણુકા શહાણે પણ બિલ જોઈ દંગ રહી ગઈ. એણે ટ્વીટ કર્યું કે મને મે મહિનામાં 5510 રૂપિયાનું બિલ આવ્યું. તો જૂનમાં 29,700 રૂપિયા. આ બિલમાં મે અને જૂન બંને મહિનાનું સંયુક્ત બિલ આપ્યું. પરંતુ તમે મે મહિનાનું બિલ 18080 રૂપિયા દર્શાવ્યુ છે. તો મારૂં બિલ 5510થી 18080 કેવી રીતે થઈ ગયું? રેણુકાની ટ્વીટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. 
કૉમેડિયન વીર દાસ પણ આ સમસ્યાને કારણે ઉદાસ થઈ ગયો છે. એણે પોતાનો પ્રોબ્લેમ જણાવતા પૂછ્યું કે શું મુંબઈમાં બીજા કોઈને પણ ત્રણગણું બિલ મળ્યું છે? એના જવાબમાં ટીવી અભિનેત્રી કામ્યા પંજાબીનું ટ્વીટ આવ્યું-હા. 
અમાયરા દસ્તુરે પણ કહ્યું કે એને પણ કંઇક આવો જ અનુભવ થયો છે. એ એપ્રિલમાં એના માતા-પિતાને ઘરે શિફ્ટ થઈ હતી. છેલ્લા ત્રણ મહિનાથી એના ફ્લેટમાં રહેતી નથી, છતાં એનું બિલ આગલા બિલ કરતા બમણું આવી રહ્યુ છે. 
તો ડિનો મોરિયો પણ આ બાબતે ઘણો પરેશાન છે. એણે લખ્યું, હકીકતમાં ઝટકો લાગ્યો.
Published on: Tue, 30 Jun 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer