મુંબઈમાં જુલાઈના પહેલા અઠવાડિયાથી ચોમાસું ફરી જામશે

મુંબઈમાં જુલાઈના પહેલા અઠવાડિયાથી ચોમાસું ફરી જામશે
મુંબઈ, તા, 29 : મેઘરાજાએ એક અઠવાડિયાના વિરામ બાદ વીકએન્ડથી મુંબઈમાં ફરી વરસવાનું શરૂ થયું છે. રવિવારે સવારના સાડાઆઠ વાગ્યે પુરા થયેલા 24 કલાકમાં સાંતાક્રુઝમાં 27.2 મિલિમીટર અને કોલાબામાં 2.2 મિલિમીટર વરાસદ પડ્યો હતો. રવિવારે વરસાદ પડ્યો નથી. શનિવારે પડેલો વરસાદ નજીવો હતો. મહાનગરમાં છેલ્લે 18 જૂને હળવાથી માંડીને ભારે વરસાદ પડ્યો હતો. ત્યાર બાદ છેલ્લા ચાર દિવસથી વરસાદ પડ્યો નહોતો, પરંતુ 23 જૂને પરામાં પાછો હળવો વરસાદ પડવાનું ચાલુ થયું હતું. હવામાન ખાતાએ આગાહી કરી  છે કે જુલાઈના પહેલા અઠવાડિયામાં ચોમાસુ ફરી જામશે. ત્રણ અને પાંચ જુલાઈએ વરસાદની તીવ્રતા વધશે. હવામાન ખાતાની 24 કલાકની આગાહી પ્રમાણે મુંબઈ મેટ્રોપોલિટન રીજનમાં ઝાપટાંથી હળવો વરસાદ પડશે. રત્નાગીરી અને સિંધુદુર્ગમાં સોમવારે અને બુધવારે ભારે વરસાદની આગાહી કરાઈ છે. . છેલ્લે 18 જૂને પરામાં 41 મિલી મીટર અને તળમુંબઈમાં 44 મિલી મીટર વરસાદ પડ્યો હતો. ત્યાર બાદ મોડી રાત્રે અથવા તો પરોઢિયે હળવો છુટોછવાયો વરસાદ પડ્યો છે. અત્યાર સુધી પહેલી  જૂનથી કુલ 344.4.2 મિલિ મીટર વરસાદ પડ્યો છે જે 713 મિલિમીટરની માસિક સરેરાશથી ઓછો છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે વરસાદ 29 જૂનથી જોર પકડશે અને તે જુલાઈના પ્રથમ અઠવાડિયામાં તેનું જોર વધારશે. ઈંગ્લૅન્ડની યુનિવર્સિટી અૉફ રાડિંગના હવામાનશાસ્ત્રી અને પીએચડી સંશોધક અક્ષય દેવરસે કહ્યું હતું કે 18 જૂનથી સમુદ્રમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી જેથી વરસાદ પડતો નથી. હિમાલયની તળેટીમાં વરસાદ પડવાનું શરૂ થયું હોવાથી મહારાષ્ટ્રમાં હવામાન સૂકું થઈ ગયું છે. જૂનના અંતમાં વરસાદ પડવાની સિસ્ટમ સક્રિય થશે અને જુલાઈના શરૂઆતમાં સારો વરસાદ પડે એવી અપેક્ષા છે. હવામાન ખાતાએ કહ્યું હતું કે નૈઋત્યના મોસમી પવનો દિલ્હી સુધી પહોંચી ગયા છે. અરબી સમુદ્રમાં આવેલા નિસર્ગ વાવાઝોડાને  લીધે ચોમાસું નબળુ પડ્યું છે.
Published on: Tue, 30 Jun 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer