કોરોનાનું સંકટ ચરમ પર, મુંબઈમાં નિયમપાલન જરૂરી : ઉદ્ધવ ઠાકરે

કોરોનાનું સંકટ ચરમ પર, મુંબઈમાં નિયમપાલન જરૂરી : ઉદ્ધવ ઠાકરે
ચોમાસાને ધ્યાનમાં લઇને મુખ્ય પ્રધાને યોજી ઉચ્ચસ્તરિય વિડિયો કોન્ફરન્સિંગ
મુંબઈ, તા.29 : કોરોનાનું સંકટ ચરમ પર હોવાથી મુંબઈ સહિત મુંબઈ મેટ્રોપોલિટન રીજન (એમએમઆર)માં લોકોએ કારણ વગર ઘરની બહાર ન નીકળવું તેમ જ વાહનો પણ દૂર લઇ જઇને ટ્રાફિકમાં અડચણો ન કરવી. મુંબઈ અને એમએમઆરમાં પોલીસે કારણ વગર ઘરથી બે કિલોમિટરથી વધુ અંતરે ન જવાની અપીલ કરી છે એ સહિતના નિયમોનું પાલન કરવું એ આપણા સૌના હિતમાં છે, એવી ભાવૂક અપીલ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે ફરીથી કરી હતી. કોરોનાની પરિસ્થિતિની સમિક્ષા અને ચોમાસા સંબંધી એમએમઆરની નાગરિક સમસ્યાઓ સંદર્ભે ઠાકરેએ આજે ઉચ્ચસ્તરિય વિડિયો કોન્ફરન્સિંગ કરી હતી, જેમાં પરિવહન પ્રધાન અનિલ પરબ, સંસદસભ્ય અનિલ દેસાઇ, વિધાનસભ્ય સુનિલ પ્રભૂ, રાજ્યના મુખ્ય સચિવ અજૉય મેહતા, એમએમઆરડીએના કમિશનર રાજીવ તેમ જ મુંબઈ પાલિકાના ઉચ્ચાધિકારીઓએ ભાગ લીધો હતો. ખાસ તો એમએમઆરમાં ઠેર-ઠેર મેટ્રો યોજનાના કામ ચાલી રહ્યા છે, ચોમાસામાં મેટ્રોના પાયાભૂત કામથી નાગરિકોને અડચણ ન થાય એ હેતુથી આવા જે કામો ચાલે છે તે ઝડપથી પૂરા કરીને તેને આગળ ન ધપાવવાનો નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત ચોમાસાને ધ્યાનમાં લઇને એમએમઆરમાં સ્વચ્છતા અને ગટર-નાળાની સાફસફાઇના કામમાં વિવિધ વિભાગો વચ્ચે સમન્વય રાખવાની કડક સૂચના આપવામાં આવી હતી.
Published on: Tue, 30 Jun 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer