બે કિ.મી.ની લક્ષ્મણરેખાના તઘલખી નિયમ વિરુદ્ધ મુંબઈગરાનો આક્રોશ

બે કિ.મી.ની લક્ષ્મણરેખાના તઘલખી નિયમ વિરુદ્ધ મુંબઈગરાનો આક્રોશ
6800 વાહન જપ્ત કરાયા
અમારા પ્રતિનિધ તરફથી 
મુંબઈ, તા. 29 : મુંબઈ પોલીસે મુંબઈગરા માટે દોરેલી બે કિલોમીટરની લક્ષ્મણરેખાનો ભારે વિરોધ થઈ રહ્યો છે. અનેક નાગરિકો આને તઘલખી હુકમ ગણાવે છે. સોશિયલ મિડિયા પર આની ભારે ટીકા થઈ રહી છે. નાગરિકો તેમના ઘરથી બે કિલોમીટરની પરીઘની બહાર ન જઈ શકે એવી માર્ગદર્શિકા પોલીસે બહાર પાડી છે. આમાં ફક્ત અપવાદ ઓફિસે જવા માટે અને તબીબી ઈમરજન્સી માટે રાખવામાં આવ્યા છે. નાગરિકો કહે છે કે કોઈ પણ નવી ગાઈડલાઈન અમલમાં મુકતા પહેલાં નોટિસ આપવી જોઈએ. મુંબઈ પોલીસે કોઈ પણ નોટિસ વિના આ ગાઈડલાઈન અમલમાં મુકી છે,  એટલુ જ નહીં, પરંતુ રવિવારથી જ લૉકડાઉનના નિયમોનું ભંગ કરનારને દંડ કરવાનું અને વાહન જપ્ત કરવાનું શરૂ કર્યું હતું. રવિવારે જ મુંબઈના વિવિધ વિસ્તારોમાં 6800 વાહન જપ્ત કરાયા હતા. શહેરના બાર ઝોનમાંથી 5000 જેટલા ટુ, થ્રી અને ફોર વ્હિલર જપ્ત કરાયા હતા. ગાઈડલાઈન પ્રમામે ઓલા-ઉબેર કે ઓટો અને રિક્સાનો પણ ફક્ત આવશ્યક સેવા માટે ઉપયોગ કરવાનો છે. આજે સોશિયલ મિડીયા પર એવા અનેક વિડીયો વાઈરલ કર્યા છે જેમાં ટુ વ્હીલર અને કારમાલિકો એવી ફરિયાદ કરી રહ્યા છે કે અમને નાકાબંધીમાં અટકાવામા આવી રહ્યા છે અને અનેક લોકોને દંડ કરાયો હતો અને વાહનો પણ જપ્ત કરાયા હતા. સ્કૂટર કે બાઈક પર બે જણ હોય તો પણ તેને અટકાવીને દંડ કરાયો હતો. પોલીસના નિયમ  પ્રમાણે લોકોએ કરિયાણું  અને શાકભાજી ખરીદવા કે સલુન કે જીમમાં જતી  વખતે  પણ બે કિલોમીટરની લક્ષ્મણરેખાનું પાલન કરવું જોઈએ. પોલીસના આદેશથી અવઢવમાં મુકાયેલા નાગિરકો કહે છે કે પોલીસને કેવી રીતે ખબર પડશે કે અમારું ઘર ક્યાં છે અને ઓફિસ ક્યાં છે. પોલીસે એ સુચના પણ પહેલાં નથી આપી કે નાગિરકોએ તેમનું આધાર કાર્ડ સાથે રાખવું જોઈએ. હવે પોલીસે જાહેર કર્યું છે કે મેડિકલ ઈમરજન્સી હોય પ્રવાસ કરતી વખતે કાગળિયા દેખાડવા પડશે.  
પોલીસનું કહેવું છે કે લોકો લૉકડાઉનના નિયમો તોડીને ટહેલવા નીકલી પડે છે. આને લીધે કોરોનાનો પ્રસાર થઈ શકે.  
નાગિરકો કહે છે કે સત્તાવાળાઓ વારંવાર નિયમો બદલે છે અને માટે ગૂંચવાડો ઊભો થાય છે અને લોકોની હાલાકી થાય છે. અનેક લોકો પરામાં રહે છે અને કામ કરવા તળ મુંબઈ જતા હોય છે અને પોલીસ તેમને પણ અટકાવીને સવાલો કરે છે. પોલીસ અટકાવતી વખતે કે વાહન જપ્ત કરતી વખતે એમ કરવા પાછળનું કારણ પણ જણાવતી નથી.  
એક્ટિવિસ્ટો કહે છે કે પોલીસે ફક્ત એ જોવાનું કે નાગિરકો સામાજિક દૂરી રાખે છે કે નહીં. કારમાં ડ્રાઈવર ઉપરાંત ફક્ત બે જણ જ છે કે નહીં. કોઈ કારમાં માસ્ક પહેરીને જતું હોય તો તેને રોકવાનો શું અર્થ છે. આમાં નાગરિકોની કનડગત થાય છે.  
જાણીતા  એડવોકેટ વિનોદ સંપટે આ તરંગી નિયમનો વિરોધ કરતાં કહ્યું હતું કે સરકાર પોતાની જવાબદારી નાગિરકો પર ઢોળી દેવા માગે છે. સરકાર પ્રોપર્ટી ટેક્સ, વોટર ટેક્સમાં રાહત આપતી નથી, પરંતુ લૉકડાઉનને લીધે પગારકાપ અને ધંધામા નુકસાન ભોગવનાર લોકોની નવા નિયમ વડે કનડગત કરવા માગે છે.  વકીલ અર્મિન વાંદ્રેવાલાએ કહ્યું હતું કે સરકાર નિયમોમાં સ્પષ્ટતા અને પારદર્શકતા રાખતી નથી. મનમાં આવે એમ નિયમો ઘડે છે અને અમલમાં મુકે છે. નિયમો બદલતી વખતે ઓછામાં ઓછી 48 કલાકની નોટિસ પણ દેવામા આવતી નથી.  
 ઘાટકોપરના વિધાનસભ્ય રામ કદમે આનો વિરોધ કરતાં વિડીયોમાં કહ્યું છે કે સરકારે લૉકડાઉન દરમ્યાન નાગરિકોને કોઈ મદદ કરી નથી. હવે પોલીસ કહે છે કે કોઈએ બે કિલોમીટરના પરીઘની બહાર જવું નહીં.  લોકો હવે બિઝનેસ કે નોકરી કરવા માટે બહાર આવે તો તેમને અટકાવે છે. જાહેર પરિવહન પર ભારે બોજો છે ત્યારે લોકો કારમાં કે ટુ વ્હીલરમાં ક્યાંક જાય તો તેમને કેમ અટકાવવામાં આવે છે. તમારા ઘરની નજીક પાલકાની ઓફિસ કે હૉસ્પિટલ કે પોલીસ સ્ટેશન ન હોય તો શું જવું જ નહીં. આ કેવો નિયમ છે. લોકો પિકનિક માટે બહાર જતા નથી. લોકો જોખમ લઈને કામધંધા માટે બહાર નીકળે છે.
Published on: Tue, 30 Jun 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer