વડોદરામાં ભારે વરસાદ : નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

અમારા પ્રતિનિધિ તરફથી 
વડોદરા, તા. 30 : છેલ્લા એક સપ્તાહના અસહ્ય ઉકળાટ બાદ આજે સાંજથી વડોદરા શહેર-જિલ્લામાં ધમાકેદાર મેઘસવારીનું આગમન થયું હતું. ગાજવીજ સાથે શરૂ થયેલા ભારે વરસાદથી શહેર-જિલ્લાના લોકો ખુશખુશાલ થઇ ગયા હતા. આ સાથે લોકોએ ઉકળાટથી રાહત અનુભવી હતી. ભારે વરસાદને પગલે વડોદરા શહેરના નિચાણવાળા વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા હતા. 
મંગળવારે વહેલી સવારે શહેરના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા હતા. ત્યારબાદ વરસાદ બંધ થઇ ગયો હતો. વરસાદ બંધ થયા બાદ વધી ગયેલા ઉકળાટથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા હતા. લોકો પરસેવે રેબઝેબ થઇ ગયા હતા. અને મેઘાને વરસવા માટે માટે પ્રાર્થના કરી રહ્યા હતા. દરમિયાન સાંજે મેઘરાજાની સવારી વાજતે-ગાજતે આવી પહોંચી હતી. ધમાકેદાર મેઘ સવારીને માણવા માટે લોકો પોળો, સોસાયટીઓ અને માર્ગો ઉપર નીકળી ગયા હતા.   વડોદરા શહેરની સાથે જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હોવાના અહેવાલો મળ્યા છે. લાંબી રાહ જોવડાવ્યા બાદ ધમાકેદાર આવી પહોંચેલી મેઘસવારીથી ધરતીપુત્રો ખુશખુશાલ થઇ ગયા હતા. તાલુકા મથકોમાં પણ લોકોએ મેઘોની સવારીને વધાવી આનંદ લૂંટ્યો હતો. આ સાથે ગ્રામ્યજનોએ ઉકળાટમાં પણ રાહત અનુભવી હતી.
Published on: Wed, 01 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer