પરીક્ષાઓ અને એફવાયજેસીની પ્રવેશ પ્રક્રિયા વચ્ચે ટક્કરની શક્યતા

મુંબઈ, તા. 30 : નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કાલિંગ (એનઆઈઓએસ) દ્વારા દસમા અને બારમા ધોરણની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ તેમની પરીક્ષાની તારીખો એફવાયજેસી પ્રવેશ પ્રક્રિયા સાથે ટકરાય એવી શક્યતાથી ચિંતિત છે. 
એનઆઇઓએસના વિદ્યાર્થીઓ દસમા ધોરણ પછી રેગ્યુલર જુનિયર કોલેજમાં પ્રવેશ મેળવવા માટે અરજી કરવા પાત્ર હોય છે. એનઆઇઓએસની બંને ધોરણની પરીક્ષાઓ જુલાઈ 17 અને ઓગસ્ટ 13 વચ્ચે યોજાવાની છે. જયારે એસએસસીના પરિણામ જુલાઈના અંત સુધીમાં જાહેર થવાના છે અને એફવાયજેસી (ધોરણ 11)ની ઓનલાઇન એડમિશન પ્રક્રિયા ત્યારબાદ શરૂ થશે. 
એનઆઇઓએસના એક વિદ્યાર્થીના પિતાએ જણાવ્યું હતું કે પરીક્ષાઓ પૂરી થાય અને પરિણામ આવે ત્યાં સુધીમાં એફવાયજેસીમાં પ્રવેશનો નોંધપાત્ર હિસ્સો પૂર્ણ થઇ જશે. એનઆઇઓએસના ઓછામાં ઓછા 50 ટકા વિદ્યાર્થીઓ રેગ્યુલર જુનિયર કોલેજમાં પ્રવેશનો વિકલ્પ પસંદ કરે છે. 
2019માં એસએસસીનું પરિણામ 8મી જૂને જાહેર થયું હતું અને 11માં ધોરણમાં પ્રવેશની પ્રથમ યાદી ચોથી જુલાઈએ બહાર પડી હતી. 
સીબીએસઈ, આઈસીએસઈ અને મહારાષ્ટ્ર બોર્ડ જેવા તમામ સ્કૂલ બોર્ડ દ્વારા બાકીની પરીક્ષાઓ રદ કરવાની જાહેરાત થઈ છે. પરંતુ એનઆઇઓએસ હજી સુધી આ નિર્ણય અનિર્ણિત રાખીને વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની ચિંતામાં વધારો કરે છે.  ગત અઠવાડિયે એનઆઇઓએસએ બીજીથી દસમી જુલાઈ દરમિયાન થનારી પ્રેકટિકલ પરીક્ષાઓ આગામી નોટિસ સુધી મુલતવી રાખી છે. 
એનઆઇઓએસના રિજનલ ડિરેક્ટર ડૉ. સૌમ્યા રાજને જણાવ્યું હતું કે થિયરી પરીક્ષાઓ પણ મુલતવી રાખવા અંગે અથવા રદ કરવા અંગે થોડા દિવસમાં નિર્ણય લેવામાં આવશે. 
એનઆઇઓએસ માનવ સંસાધન વિકાસ મંત્રાલય (એમએચઆરડી) અંતર્ગત મુક્ત શિક્ષણ પ્રણાલી છે જે બિનઔપચારિક શિક્ષણ પૂરું પાડે છે.
Published on: Wed, 01 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer