અભિનેતા-દિગ્દર્શક અને ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર દીપક દવેની ઍક્ઝિટ

અભિનેતા-દિગ્દર્શક અને ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર દીપક દવેની ઍક્ઝિટ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 30 : ગુજરાતી રંગભૂમિના અભિનેતા અને દિગ્દર્શક તેમ જ અમેરિકામાં ભારતીય વિદ્યા ભવનના માધ્યમથી ભારતીય કળા, સંસ્કૃતિ, ભાષા અને સાહિત્યની પ્રવૃત્તિઓને રાહ આપનારા દીપક દવેનું હૃદયરોગના હુમલાને કારણે સોમવારે અવસાન થયું હતું. મૂર્ધન્ય સાહિત્યકાર અને જન્મભૂમિના ભૂતપૂર્વ તંત્રી હરિન્દ્ર દવેના પુત્ર દીપક દવે 2008થી ન્યૂ યૉર્ક ખાતે ભારતીય વિદ્યા ભવનની વિવિધ પ્રવૃત્તિઓ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સુપેરે સંભાળી રહ્યા હતા. તેઓ 65 વર્ષના હતા. તેમના પરિવારમાં પત્ની રૂપલ અને દીકરી મિતાલી છે. તેમના બે મોટા ભાઈઓ રોહિતભાઈ અને પ્રકાશભાઈ પણ છે. તેમની આ અણધારી ઍક્ઝિટથી રંગભૂમિ સાથે સંકળાયેલા કલાકાર-કસબીઓમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. 
ઘેઘૂર અવાજના માલિક દીપક દવે 1980ના દાયકાથી રંગભૂમિ પર હતા. 70થી વધુ નાટકોમાં કામ કર્યું હતું અને 15 ટીવી સિરિયલો અને નવ ફિલ્મો પણ તેમના નામે બાલે છે. ગુજરાતી ઉપરાંત, હિન્દી, મરાઠી અને અંગ્રેજી ભાષા પર તેમનું ગજબનું પ્રભુત્વ હતું. ડાબિંગ આર્ટિસ્ટ તરીકે તેમણે પોતાનું આગવું સ્થાન બનાવ્યું હતું. 1981માં રજૂ થયેલા નિર્માતા રાજેન્દ્ર બુટાલાના નાટક સાથિયામાં એક રંગ ઓછોથી અભિનયમાં પગરણ કરનાર દીપકભાઈએ ત્યારબાદ ચિત્કાર (કેટલાક પ્રયોગ), અર્ધસત્ય, તથાસ્તુ, હવે તો વસંત થઈને આવ, રુતુનો રિતિક, હિમકવચ અને ખુલ્લી આંખે બીડ્યા હોઠ અને સંગ તને છે રંગ જેવા નોંધપાત્ર નાટકો આપ્યા હતા. 1998 દિગ્દર્શક આત્મારામ ઠાકોર અને નિર્માતા અનિલ સાંગાણીની ફિલ્મ નાનો દીયરિયો લાડકોથી શરુ કર્યા બાદ કૂંજલ કાળજાની કોર તથા અન્ય ગુજરાતી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તો આકાશવાણી માટે હરીન્દ્ર દવેની નવલકથાઓ મુખવટો અને માધાવ ક્યાંય નથી મધુવનમાંને નાટ્ય રૂપે રેકૉર્ડ કરવાનું કામ પણ તેમણે કર્યું હતું. આ ઉપરાંત પુસ્તકો, રેકૉર્ડિંગ્સ અને ફોટોગ્રાફ્સનું તેમની પાસે બહુ મોટું કલેક્શન હતું. 
વર્ષ 2003થી તેઓ મુંબઈમાં ભારતીય વિદ્યા ભવન સાથે સંકળાયા હતા અને ડિરેક્ટર અૉફ પ્રોગ્રામ્સ તરીકે કાર્યરત હતા. 2005માં તેમણે અમેરિકામાં ભવનની ટીમ સાથે કામ કરવાનું શરુ કર્યું હતું અને 2008થી ન્યૂ યૉર્કમાં ભવનના ઍક્ઝિક્યુટિવ ડિરેક્ટર પદે હતા. કોવિડ-19ના અત્યારના કાળમાં લૉકડાઉન વચ્ચે પણ તેઓ ભવન માટે વિવિધ અૉનલાઈન કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. કલા, સાહિત્ય, રંગભૂમિ જેવા ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો ન્યૂ યૉર્કમાં હોય તો દીપકભાઈની હૂંફ અને મહેમાનગતિ અચૂક માણવા મળતી. અમેરિકાનું ભારતીય વિદ્યા ભવનનું કેન્દ્ર અનેકવિધ પ્રવૃત્તિઓનું હાર્દ હતું. અભિનેતા અનુપમ ખેરે દીપકભાઈના નિધનના સમાચાર ટ્વિટ કરી તેમને શ્રદ્ધાંજાલિ આપી હતી.

Published on: Wed, 01 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer