મુંબઈ પાલિકાની મહેસુલી આવકમાં ચાર હજાર કરોડ રૂપિયાનો ઘટાડો

મુંબઈ પાલિકાની મહેસુલી આવકમાં ચાર હજાર કરોડ રૂપિયાનો ઘટાડો
મુંબઈ, તા. 30 : કોવિડ-19 મહામારી સામે લડવા મહાપાલિકાને રૂપિયાની તાતી જરૂર છે ત્યારે એની આવકમાં 4 હજાર કરોડ રૂપિયાનો ઘટાડો નોંધાય એવી શક્યતા છે. પાલિકાએ 2500 કરોડ રૂપિયાનો મિલકત વેરો વસુલવાનો બાકી છે. તો રાજ્ય સરકાર પાસેથી ઓક્ટ્રોય અને વેલ્યુ એડેડ ટેક્સ (વૅટ)ના 1200 કરોડ રૂપિયા લેણા નીકળે છે. ઉપરાંત બે મહિનાના પાણી અને સ્યુઅરેજ ટેક્સના 400 કરોડ રૂપિયા વસુલવાના બાકી છે. દરમ્યાન, મહાપાલિકાએ અત્યાર સુધીમાં મહામારીને નિયંત્રણમાં રાખવા આકસ્મિક ખર્ચ માટેના ફંડમાંથી 600 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. 
એડિશનલ મ્યુનિસિપલ કમિશનર પી વેલારાસુએ કહ્યું કે, 2019-20માં પ્રોપર્ટી ટેક્સનો લક્ષ્યાંક 5600 કરોડ રૂપિયાનો રાખવામાં આવ્યો હતો, પણ ફેબ્રુઆરી સુધીમાં 4100 કરોડ રૂપિયા જ વસુલી શકાયા છે.  જ્યારે 500 ચોરસ ફૂટના ઘરને મિલકત વેરામાં અપાયેલી માફીને કારણે 500 કરોડ રૂપિયાની રાહત અપી છે. માર્ચના અંત સુધીમાં 1000 કરોડ રૂપિયા વસુલવાનું અપેક્ષિત હતું પણ લૉકડાઉનને કારણે એ માર્ચ ઉપરાંત એપ્રિલ-મેમાં પણ શક્ય બન્યું નહીં. એટલે માત્ર 2500 કરોડની ઘટ માત્ર પ્રોપર્ટી ટેક્સને કારણે જ પડી છે, એમ વેલારાસુએ જણાવ્યું.
Published on: Wed, 01 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer