બે કિલોમીટરના નિયમ અને વાહનોની જપ્તી સામે કાયદાવિદ્દોએ ઉઠાવ્યા સવાલ

બે કિલોમીટરના નિયમ અને વાહનોની જપ્તી સામે કાયદાવિદ્દોએ ઉઠાવ્યા સવાલ
મુંબઈ, તા. 30 : ઘરના બે કિલોમીટરના પરિઘની બહાર ન જવા માટે પોલીસ દ્વારા મુકાયેલા પ્રતિબંધની સાથે નિયમનો ભંગ કરનારાના વાહન જપ્ત કરવાના મુંબઈ પોલીસના આદેશ સામે કાયદાના નિષ્ણાતોએ સવાલ ઉઠાવ્યા છે. આ એક મનસ્વી, વાહિયાત નિર્ણય છે, એમ વરિષ્ઠ વકીલ નિતીન પ્રધાન સહિત અન્ય ઍડવોકેટ્સનું કહેવું છે. 
કાયદાના નિષ્ણાતોનું કહેવું છે કે આદેશ ગુંચવાડો નિર્માણ કરે છે. લૉકડાઉન અંગેના તમામ પ્રકારના સર્ક્યુલર અને પ્રતિબંધો ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઍક્ટ અને એપિડેમિક ડિસીઝ ઍક્ટ અંતર્ગત એક જ અૉથોરિટી દ્વારા જાહેર થવા જોઇએ. 
જોકે અન્ય એક સિનિયર કાઉન્સલ શિરિષ ગુપ્તેનું કહેવું છે કે, કદાચ આ નિર્ણય મનસ્વી લાગતો હશે, પરંતુ લોકોના હિત માટે એ સ્વીકાર્ય હોવો જોઇએ. પ્રધાન જોકે કહે છે કે, જો સરકાર પ્રતિબંધો મુકવા માંગતી હોય અને એનું ઉલ્લંઘન કરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવા માંગતી હોય તો એપિડેમિક ડિસીઝ ઍક્ટ કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઍક્ટ હેઠળ નોટિફિકેશન જારી કરવું જોઇએ. 
ડેપ્યુટી પોલીસ કમિશનર પ્રણય અશોકે સોમવારે જણાવ્યું કે સરકારે જારી કરેલી માર્ગદર્શિકાના આધારે આદેશ બહાર પડાયો છે. ઉપરાંત પ્રેસનોટ વિવિધ ગ્રુપ્સ અને ટ્વીટર દ્વારા મોકલવામાં આવી છે જે અધિકૃત ગણાય છે. 
આદેશ બૉમ્બે પોલીસ ઍક્ટ હેઠળ જારી કરાયો નથી એમ તેમણે જણાવવાની સાથે ઉમેર્યું હતું કે, પોલીસ રાત્રિના કર્ફ્યુની સાથે અન્ય જરૂરી હેરફેરને 144ની કલમ હેઠળ છૂટછાટ આપવા અંગેના લેખિત આદેશમાં બે કિલોમીટરની મર્યાદાના નિયમોને પણ સમાવી લેવાશે. કોવિડ-19 મહામારીને નિયંત્રણમાં રાખવા માટે પોલીસ કમિશનરને પણ સત્તા આપવામાં આવી છે. 
તો કાયદાવિદ્દ અમિત દેસાઈનું કહેવું છે કે કોઈ પણ આદેશ લેખિત સ્વરૂપે હોવો જોઇએ. અને એ અધિકૃત સોશિયલ મીડિયા સહિત અન્ય માધ્યમો દ્વારા જાહેરજનતાને પહોંચાડવા જોઇએ. 
પોલીસને દંડાત્મક કાર્યવાહી કરવા અને વાહનો જપ્ત કરવા જેવા કડક પગલાં ભરવાની સત્તા મળે છે. શક્તિ કોઈ વૈદ્યાનિક કાર્યવાહીથી નથી મળી, એટલે આ પ્રકારના પ્રતિબંધ અને દંડ રાઇટ ટુ લાઇફના ઉલ્લંઘન સમાન છે.  
Published on: Wed, 01 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer