એકથી વધુ અભિનેત્રી ભજવશે સરોજ ખાનનું પાત્ર

એકથી વધુ અભિનેત્રી ભજવશે સરોજ ખાનનું પાત્ર
બોલીવૂડના કોરિયાગ્રાફર સરોજ ખાનના જીવન પરની ફિલ્મ બનાવવાની તૈયારી દિગ્દર્શક રેમો ડિસોઝા કરી રહ્યા છે. તેમનું જીવન અનેક ચડાવઉતારથી સભર હતું એટલે ફિલ્મ રસપ્રદ બનશે એવું રેમોનું માનવું છે. 
રેમોએ જણાવ્યું હતું કે, સરોજના પાત્રને કોઇ એક હિરોઇન ન્યાય નહીં આપી શકે. તેમના બોલીવૂડ પ્રવેશથી જીવનની અંતિમ ક્ષણ સુધીની ઘટનાઓને સાંકળી લેવામાં આવવાની હોવાથી તેમના જીવનના જુદાજુદા તબક્કાને વ્યક્ત કરવા માટે જુદીજુદી અભિનેત્રીઓની જરૂર પડશે. જો કે, અત્યારે તો હું તેમની પુત્રી સાથે બેસી પટકથા તૈયાર કરી રહ્યો છું. આથી કઇ અભિનેત્રીને તેમના પાત્રમાં લઇશ એ કહેવું મુશ્કેલ છે. 
જો કે, સરોજના ફિલ્મમાં માધુરી દીક્ષિત ન હોય એવું તો કયારેય ન બને. ફિલ્મ તેઝાબના એક-દો-તીન ગીતે માધુરીની કારકિર્દીમાં વળાંક લાવી દીધો અને તે આ માટેનો શ્રેય સરોજને આપે છે. આથી આ વિશે પૂછતાં રેમોએ કહ્યું કે, આ માટે અમારે તેમની પુત્રીનો અભિપ્રાય લેવાનો છે. એકવાર પટકથા તૈયાર થઇ જાય ત્યાર પછી કલાકારો અંગે વિચાર પણ થશે અને નિર્ણય પણ લેવાશે. 
જો કે, સરોજે માધુરીની કારકિર્દીમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હોવાથી ફિલ્મમાં તે હિસ્સાને તો લેવામાં આવશે જ. ઇન્ડસ્ટ્રીમાં માધુરી અને સરોજ આજે પર્યાયવાચી નામ જેવા બની ગયા છે.
Published on: Fri, 10 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer