એશિયા કપ રદ થવાની ગાંગુલીની ઘોષણાથી પાકિસ્તાનમાં ખળભળાટ

એશિયા કપ રદ થવાની ગાંગુલીની ઘોષણાથી પાકિસ્તાનમાં ખળભળાટ
નવી દિલ્હી, તા. 9 : પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના મીડિયા ડાયરેકટર સમિઉલ હસન બર્નીનું કહેવું છે કે બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીના એ દાવાની કોઇ માન્યતા નથી કે એશિયા કપ કેન્સલ થયો છે. તેમનું કહેવું છે કે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી) જ આ ટૂર્નામેન્ટનો કોઇ ફેંસલો લઇ શકે. 
બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ગઇકાલ બુધવારે એશિયા કપ રદ થયાની જાહેરાત કરી હતી. જો કે આ માટેનું કોઇ કારણ તેણે બતાવ્યું ન હતું. રિપોર્ટ એવો છે કે એશિયા કપ કયા દેશમાં આયોજીત કરવો તેની સહમતિ ન બનતા આ નિર્ણય લેવાયો છે. કોરોના મહામારી પણ કારણ છે. એશિયા કપનું યજમાન પદ આ વખતે પાકિસ્તાન પાસે હતું અને તે યૂએઇમાં સપ્ટેમ્બરમાં યોજાશે તેવી પ્રસ્તાવિક જાહેરાત અગાઉ થઇ હતી. 
હવે ગાંગુલીના આ દાવાથી પીસીબી સહમત નથી. હસન બર્નીનું કહેવું છે કે એશિયા કપને રદ કરવો બહુ મોટો નિર્ણય છે અને તે ફકત એસીસીના અધ્યક્ષ જ લઈ શકે છે. ગાંગુલી એસીસીનો અધ્યક્ષ નથી. તેની જાહેરાતથી એશિયા કપના આયોજન પર અસર થશે નહીં. તેની ઘોષણાનું કોઇ વજૂદ નથી. એસીસીના અધ્યક્ષ નજમુલ હસન આખરી નિર્ણય લેશે. જે એક બેઠકમાં લેવામાં આવશે.
આ પહેલા પણ એશિયા કપને લઇને પીસીબી અને બીસીસીઆઇ આમને સામને આવી ચૂકયા છે. પાકિસ્તાનમાં રમવા જવાની ભારતના સાફ ઇન્કાર બાદ તે યૂએઇમાં યોજાશે તેવી જાહેરાત અગાઉ થઇ હતી.
Published on: Fri, 10 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer