હોલ્ડર-ગેબ્રિયલની કાતિલ બૉલિંગ સામે ઇંગ્લૅન્ડ 204 રનમાં ઓલઆઉટ

હોલ્ડર-ગેબ્રિયલની કાતિલ બૉલિંગ સામે ઇંગ્લૅન્ડ 204 રનમાં ઓલઆઉટ
વિન્ડિઝ સુકાની હોલ્ડરની છ વિકેટ : ઇંગ્લેન્ડ તરફથી કેપ્ટન સ્ટોક્સના 43 રન
સાઉથમ્પટન તા.9 : કેપ્ટન જેસાન હોલ્ડર અને શેન ગેબ્રિયલની કાતિલ બોલિંગ સામે વેસ્ટ ઇન્ડિઝ સામેના પહેલા ટેસ્ટના પહેલા દાવમાં ઇંગ્લેન્ડનો 204 રનમાં ધબડકો થયો હતો. હોલ્ડરે 6 અને ગેબ્રિયલે 4 વિકેટ લીધી હતી. પહેલા દિવસની મોટાભાગની રમત વરસાદમાં ધોવાઇ ગયા બાદ આજે બીજા દિવસની રમતમાં વિન્ડિઝ ટીમ છવાઇ ગઇ હતી. ઇંગ્લેન્ડ તરફથી સૌથી વધુ 43 રન સુકાની સ્ટોકસે કર્યાં હતા. કોરોનાકાળ વચ્ચે ખાલી સ્ટેડિયમમાં નવા નિયમ સાથે ઇન્ટરનેશનલ ક્રિકેટની વાપસી થઇ છે. 
આજે મેચના બીજા દિવસે ઇંગ્લેન્ડની શરૂઆત નબળી રહી હતી. આજે 1 વિકેટે 35 રનથી પોતાનો પહેલો દાવ આગળ વધારનાર ઇંગ્લેન્ડનું ટોપ ઓર્ડર કેરેબિયન પેસ બેટરી સમક્ષ નતમસ્તક થઇ ગયું હતું. ગેબ્રિયલ અને કેપ્ટન હોલ્ડરની કાતિલ બોલિંગ સામે ઇંગ્લેન્ડના ટોચના બેટધરો ટકી શકયા ન હતા. આજે સૌથી પહેલા જો ડેનલી 18 રને ગેબ્રિયલના બોલમાં બોલ્ડ થયો હતો. આ પછી રોરી બર્ન્સ 30 રને ગેબ્રિયલનો ત્રીજો શિકાર બન્યો હતો. જયારે ક્રાઉલી 10 રને વિન્ડિઝ સુકાની જેસાન હોલ્ડરના દડામાં એલબીડબ્લયૂ આઉટ થઇને પેવેલિયનમાં પાછો ફર્યોં હતો. ઓલી પોપ પણ ક્રિઝ પર ટકી શકયો ન હતે. તે 10 રને હોલ્ડરના દડામાં વિકેટકીપર ડોરવિચને કેચ આપી બેઠો હતો. આમ ઇંગ્લેન્ડની 5 વિકેટ  87 રનમાં પડી ગઇ હતી.
આ પછી સુકાની બેન સ્ટોકસ અને અનુભવી જોસ બટલરે ઇંગ્લેન્ડ માટે છઠ્ઠી વિકેટમાં 67 રનની ભાગીદારી કરીને સંપૂર્ણ ધબડકો ખાળ્યો હતો. જો કે સુકાની સ્ટોકસ 97 દડામાં 7 ચોકકાથી 43 રન કરીને હોલ્ડરના દડામાં આઉટ થયો હતો. આ પછી જામી ગયેલ બટલર પણ હોલ્ડરનો ચોથો શિકાર બનીને 35 રને પાછો ફર્યોં હતો. તેણે 47 દડાની ઇનિંગમાં 6 ચોકકા ફટકાર્યાં હતા. 157 રનમાં 7 વિકેટ પડી જવાથી ઇંગ્લેન્ડ ભીંસમાં મુકાયુ હતું અને 67.3 ઓવરમાં ઇંગ્લેન્ડની ટીમ 204 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.
Published on: Fri, 10 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer