વૈશ્વિક સોનામાં ઉછાળે વેચવાલી

વૈશ્વિક સોનામાં ઉછાળે વેચવાલી
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 9 : બે દિવસના ઘટાડા પછી યુરોપીયન અને એશિયન શેરબજારોમાં સુધારો થતા સોનાનો ચળકાટ થોડો ઘટ્યો હતો. અલબત્ત સોનું 1800 ડોલર પ્રતિ ઔંસની સપાટી જાળવી રાખવામાં સફળ રહ્યો હતો. ન્યૂયોર્કમાં ઇન્ટ્રા ડેમાં 1816 ડોલરનો ભાવ બતાવ્યા પછી સોનું 1804 ના સ્તરે આ લખાય છે ત્યાર  રનીંગ હતુ. 
એક તરફ કોવિડ-19નો ડર છે બીજી તરફ લિક્વિડીટીને કારણે શેરબજારો વધતા જાય છે ત્યારે સોનામાં ઉંચા મથાળે વેચવાલી આવી રહી છે. ચાલુ મહિનામાં સોનાના ભાવમાં 16 ટકા સુધીનો સુધારો આવ્યો છે. ડોલરના મૂલ્યમાં ઘટાડો આવવાને લીધે પણ સોનાની તેજીને બળ મળ્યું છે. 
ચીનમાં કોરોનાના સૌથી વધારે કેસ થયા પછી રિકવરી આવી છે અને કેટલાક કેસ હજુ પણ આવી રહ્યા છે છતાં આર્થિક વિકાસના પાટે ચીનનું અર્થતંત્ર ચડી ગયું હોવાથી ત્યાંના રોકાણકારો જોખમી એસેટ તરફ વળતા જાય છે. ચીનના ફેક્ટરી ગેટ ભાવમાં સતત પાંચમા મહિને ઘટાડો થયો છે એ ધીમી પણ સ્થિર રિકવરીનો સંકેત આપી રહ્યા છે.  
દરમિયાન રાજકોટની બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ રુ. 300ના સુધારા સાથે રુ. 50600 હતો. ન્યૂયોર્કમાં ચાંદી 18.77 ડોલર હતી.રાજકોટમાં એક કિલોનો ભાવ વધુ રુ. 600ના સુધારા સાથે રુ. 50400 હતો 
Published on: Fri, 10 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer