હેન્ડ સેનિટાઈઝર્સ ઉપર જીએસટી બાબતે સરકાર અને ઉદ્યોગ વચ્ચે વિવાદ

હેન્ડ સેનિટાઈઝર્સ ઉપર જીએસટી બાબતે સરકાર અને ઉદ્યોગ વચ્ચે વિવાદ
નવી દિલ્હી, તા. 9 : હેન્ડ સેનિટાઈઝર્સમાં ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી)એ ઉત્પાદકો અને સરકાર વચ્ચે વિવાદનો વિષય બન્યો છે. 
ગયા મહિને સેન્ટ્રલ ઈકોનોમિક ઈન્ટલિજન્સ બ્યુરોએ જીએસટી સત્તાનું ધ્યાન દોર્યું કે, આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઈઝર્સને ખોટી રીતે વર્ગીકૃત કરીને જંતુનાશકની બદલે દવા તરીકે ગણવામાં આવે છે. દવામાં 12 ટકા જીએસટી છે, જ્યારે જંતુનાશક ઉપર 18 ટકા જીએસટી છે. 
જીએસટી ઈન્ટલિજન્સના ડિરેક્ટર જનરલે કમિશનર્સને પત્ર દ્વારા કહ્યું કે, આમાં કરની નોંધપાત્ર ચોરી થઈ શકે છે. સત્તાએ 62 ઉત્પાદકોની માહિતીનું અવલોકન કર્યું અને ફિલ્ડ ઓફિસર્સને આદેશ આપ્યો છે કે તેઓ અન્ય ઉત્પાદકો જેવા કે દારૂ ગાળનારા અને સુગર મિલ્સની પણ તપાસ કરે. 
આ અધિકારીઓને સર્ચ વોરન્ટ્સ સાથે સરપ્રાઈઝ વિઝિટ કરવાની સત્તા આપી છે, જેની સામે ઉદ્યોગે વિરોધ દર્શાવ્યો છે. એસોસિયેશન ઓફ ઈન્ડિયન મેડિકલ ડિવાઈઝ ઈન્ડસ્ટ્રીએ સતામણીનું કારણ આગળ ધરીને નાણા પ્રધાન નિર્મલા સિતારામનને આવી તપાસ બંધ કરવાની વિનંતી કરી છે. હેન્ડ સેનિટાઈઝર્સને દવા (ડ્રગ્સ)માં વર્ગીકૃત કરવામાં આવતુ હોવાથી ઉત્પાદકો ડ્રગ મેન્યુફેક્ચારિંગ લાઈસન્સ મેળવે છે. તેમ જ મેડિકલ તબીબીઓ સારવાર પહેલા તેમની ચામડીને સ્વચ્છ કરવા માટે સેનિટાઈઝનો ઉપયોગ કરે છે. સેનિટાઈઝર્સમાં રોગનિવારક અને રોગનિરોધક એમ બંને ગુણ હોવાથી તેને કોસ્મેટિક કે જંતુનાશકમાં વર્ગીકૃત કરવા સામે પણ એસોસિયેશને વિરોધ દર્શાવ્યો છે. 
ઉપરાંત એસોસિયેશને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયને જૂન મહિનાના નોટિફિકેશનનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં ટેરિફ 3004 અંતર્ગત આવતા આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઈઝર્સ એ વિવાદનો વિષય હોવાનું જણાવ્યુ હતું.
Published on: Fri, 10 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer