ટીસીએસનો જૂન ત્રિમાસિક નફો 13 ટકા ઘટ્યો

ટીસીએસનો જૂન ત્રિમાસિક નફો 13 ટકા ઘટ્યો
શૅર દીઠ રૂ.5 ડિવિડંડ 
મુંબઈ, તા. 9 : દેશની સૌથી મોટી ઈનફોર્મેશન ટેકનોલોજી સર્વિસીસ કંપની તાતા કન્સલટન્સી સર્વિસીસ (ટીસીએસ)નો જૂન ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો 13 ટકા ઘટ્યો છે. આ વર્ષના જૂન ત્રિમાસિક ગાળામાં કંપનીનો ચોખ્ખો નફો રૂ.7,008 કરોડ થયો છે, જે માર્ચ 2020 ત્રિમાસિક ગાળામાં રૂ.8,049 કરોડ હતો. 
સૂચિત ત્રિમાસિક ગાળામાં ટીસીએસની આવક ત્રિમાસિક ધોરણે ચાર ટકા ઘટીને રૂ.38,322 કરોડ થઈ છે. કંપનીએ કહ્યું કે, કરન્સીની દૃષ્ટિએ આવક વાર્ષિક ધોરણે 6.3 ટકા ઘટી છે. કંપનીનો કાર્યકારી નફાગાળો 23.6 ટકા હતો, જ્યારે ચોખ્ખુ માર્જિન 18.3 ટકા હતું. 
કંપનીના ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર વી રામાકૃષ્ણને કહ્યું કે, અમે કર્મચારીઓ અને વેન્ડર્સ સાથે સહકારનો અભિગમ અપનાવ્યો છે. સૂચિત ત્રિમાસિક ગાળામાં આવકમાં નોંધપાત્ર ઘટાડો થતા તેની પ્રતિકૂળ અસરને મર્યાદિત કરવા માટે અન્ય પરિબળો ઉપર આધાર રાખવામાં આવ્યો હતો. વ્યવસ્થિપણે કામકાજ કરતા રોકડ પ્રવાહ સારો રહ્યો હતો. 
સૂચિત ત્રિમાસિક ગાળામાં લાઈફ સાયન્સિસ અને હેલ્થકેરની વૃદ્ધિ વાર્ષિક ધોરણે 13.8 ટકા થઈ હતી. જોકે બીએફએસઆઈમાં વૃદ્ધિ 4.9 ટકા ઘટી હતી, તેમ જ રિટેલ અને સીપીજીમાં 12.9 ટકા, કમ્યુનિકેશન્સ અને મિડિયામાં 3.6 ટકા, મેન્યુફેક્ચારિંગમાં 7.1 ટકા અને ટેકનોલોજી-સર્વિસીસમાં 4 ટકા વૃદ્ધિ ઘટી હતી. 
ટીસીએસના ચીફ એક્ઝીક્યુટિવ ઓફિસર અને મેનાજિંગ ડિરેક્ટર રાજેશ ગોપીનાથને કહ્યું કે, મહામારીને લીધે આવક ઉપર પ્રતિકૂળ અસર થઈ હતી. લાઈફ સાયન્સિસ અને હેલ્થકેર સેગમેન્ટને બાદ કરતા દરેક સેગમેન્ટમાં અમારી વૃદ્ધિ અટકી હતી. 
દરમિયાન કંપનીએ શૅરદીઠ રૂ.5ના વચગાળાના ડિવિડંડની જાહેરાત કરી છે.
Published on: Fri, 10 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer