38 કરોડ રૂપિયાના ભૂગર્ભ જળની ચોરી

કાલબાદેવીના ટેન્કર માફિયાઓ સામે પોલીસની ચાર્જશીટ 
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 9 : ભૂગર્ભ જળ ચોરીના કેસની તપાસ માટે રચાયેલી મુંબઈ પોલીસની વિશેષ તપાસ ટીમે આરોપપત્રમાં દાવો કર્યો છે કે જે છ આરોપીઓ વિરૂદ્ધ એફઆઈઆર નોંધાયો છે તેમણે 38 કરોડ રૂપિયાના ભૂગર્ભ જળની ચોરી કરી છે. 
પોલીસે જણાવ્યું હતું કે આ કેસ અનોખો છે કારણ કે આરોપીઓએ ગેરકાયદેસર કુવાઓ ખોદ્યા હતા, ગેરકાયદેસર વીજ જોડાણોનો ઉપયોગ કરીને ખાનગી ટેન્કર માલિકોને પાણી વેચ્યું હતું.  એડિશનલ કમિશનર નિશિત મિશ્રા દ્વારા તપાસ બાદ ઈન્સ્પેક્ટર સંજય મોહિતેએ ચાર્જશીટ ફાઈલ કરી હતી.  પોલીસે જણાવ્યું હતું કે આરટીઆઈ એક્ટિવિસ્ટ સુરેશકુમાર ધોકાની ફરિયાદ પરથી ત્રિપુરાપ્રસાદ પંડ્યા, પ્રકાશ પંડ્યા, મનોજ પંડ્યા, અરૂણ મિશ્રા, શ્રવણ મિશ્રા અને ધીરજ મિશ્રા મળી કુલ છ આરોપીઓ સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી.  ફરિયાદ મુજબ આરોપીએ બોમનજી માસ્ટર લેન, મરીન લાઈન્સ પર પંડ્યા મેન્શનમાં કૂવો બનાવ્યો હતો અને 2006 થી 2017 ની વચ્ચે 11 વર્ષ સુધી ટેન્કર માલિકોને પાણી વેચ્યું હતું. 
 એફઆઈઆર મુજબ દરેક ટેન્કર દીઠ પાણીની કિંમત 1,200 રૂપિયા હતી. અમે પાંચ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે - ત્રિપુરાપ્રસાદ પંડ્યાનું અવસાન થઈ ચૂક્યું છે.  અમારી તપાસ દરમિયાન અમને ટેન્કર માલિકોને ભૂગર્ભજળનું વેચાણ કરીને 38 કરોડ રૂપિયાની છેતરાપિંડી સાબિત કરવાના પુરાવા મળ્યા છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. 
પોલીસ હવે પાલિકાના અધિકારીઓ અને અન્ય સરકારી અધિકારીઓની ભૂમિકા પર ધ્યાન આપી રહી છે અને ટૂંક સમયમાં બીજી ચાર્જશીટ ફાઈલ કરે તેવી સંભાવના છે.  અધિકારીઓના જણાવ્યા મુજબ શહેરમાં અનેક ગેરકાયદેસર કુવાઓ છે. મ્યુનિસિપલ કાર્યકરો, પોલીસ અને વીજ મંડળના અધિકારીઓ પણ ટેન્કરોને ભૂગર્ભ જળ વેચવાના આવા કૌભાંડોમાં સામેલ છે.
Published on: Fri, 10 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer