સુરતમાં કોરોના વિસ્ફોટ : એક સાથે 308 કેસ નોંધાતા લોકોમાં ભયનો માહોલ

આગામી બે થી ત્રણ સપ્તાહ સુરતીઓએ  સાવચેતી અને સલામતી રાખવી : જ્યંતિ રવિ 
સુરતથી રત્નકલાકારોની સૌરાષ્ટ્ર હિજરત યથાવત  
સુરત, તા. 9 : શહેરમાં દિનપ્રતિદીન કોરોના સંક્રમણ આગળ વધી રહ્યું છે. આજે શહેરમાં એક સાથે 308 કેસ નોંધાતા લોકોનો ભયનો માહોલ ફેલાયો છે. સંક્રમણ વચ્ચે આવતીકાલથી હીરાબજારને ખોલવામાં આવશે. બીજી તરફ હજુ પણ શહેરમાં લોકો સોશ્યલ ડીસ્ટન્સીંગનો ભંગ કરતા જોવા મળી રહ્યા છે. આજે શહેરમાં 212 અને જીલ્લામાં 96 કેસ સાથે કુલ 308 કેસ નોંધાયા હતા. જ્યારે આજે શહેરમાં 103 અને જીલ્લામાં 33 દર્દીઓને સાજા કરી રજા અપાઇ હતી. આજે શહેરમાં કોરોનાથી વધુ 4 મોત નોંધાયા હતા. આજે નોંધાયેલા 308 કેસ સાથે સુરતમાં કોરોના પોઝીટીવનો આંક 7582 નોંધાયો છે. નિષ્ણાંતો કહે છે કે, શહેરમાં આ જ ગતિએ કોરોના સંક્રમણ વધશે તો એકાદ સપ્તાહમાં કોરોનાના 10 હજાર કેસ નોંધાઇ શકે છે.  
આજે કતારગામમાંથી 58, રાંદેરમાંથી 20, વરાછા એમાંથી 32, વરાછા બીમાંથી 30, સેન્ટ્રલ ઝોનમાંથી 28 સહિત 308 કેસ નોંધાયા છે. સુરતમાં સંક્રમણ વધતા પાછલા દિવસોમાં હીરાના કારીગરોએ પરિવાર સાથે વતન હિજરત શરૂ કરી છે. રોજના અંદાજે 150 પરિવારો સુરત છોડીને સૌરાષ્ટ્ર જઇ રહ્યા છે. આજે મોટી સંખ્યામાં રત્નકલાકારો પરિવાર સાથે ઘરવખરી લઇને ટેમ્પોમાં સામાન ભરીને વતન જઇ રહ્યા નજરે પડ્યા હતાં. આવતીકાલથી હીરાબજારો ખુલવાની છે અને આવતા સપ્તાહથી કારખાનાઓ ખુલવાનાં છે. રોજગારી મળવાની શરૂ થશે છતાં લોકોમાં ભયનો માહોલ હોવાના કારણે વતન તરફ દોટ મૂકી રહ્યા છે. સમાજના અગ્રણીઓની અપીલને નકારીને લોકો સૌરાષ્ટ્ર જઇ રહ્યા હોવાથી ત્યાં કોરોનાનું સંક્રમણ વધવાની સંભાવના છે. 
અગ્રસચિવ ડો.જયંતિ રવિએ જણાવ્યું હતું કે, કોરોના દર્દીઓને ટોસિલીઝુમાબ ઇન્જેકશન આપવા ડો. સમીર ગામી, ડો. અલ્પેશ પરમાર તેમજ ડો. શુકલા એકસપર્ટ સમિતીની રચના કરવામાં આવી છે. સમિતિની ભલામણ અનુસાર દર્દીઓને ઈન્જેકશન આપવામાં આવશે. કોરોનાનો વ્યાપ ન વધે તે માટે આગામી બે-ત્રણ અઠવાડિયા દરમિયાન લોકોએ સાવચેતી અને સલામતીના તમામ પગલાઓ લેવા.
Published on: Fri, 10 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer