તાતા પાવરએ 13000 ગ્રાહકોને ફટકારી જોડાણ કાપવાની નોટિસ

તાતા પાવરએ 13000 ગ્રાહકોને ફટકારી જોડાણ કાપવાની નોટિસ
ઊંચા વીજબીલથી ગ્રાહકોની પરેશાની વધે છે
મુંબઈ, તા. 9 : વીજળીના મોટી રકમના બિલનો પ્રશ્ન ઉકેલાય નહીં ત્યાં સુધી કોઈપણ ગ્રાહકના વીજજોડાણ કાપવા નહીં એવી મહારાષ્ટ્ર વીજ નિયામક પંચ (એમઈઆરસી)ની સૂચના છતાં તાતા પાવર કંપનીએ 13000 ગ્રાહકોને મીટરનું જોડાણ કાપવાની નોટિસ મોકલી છે. 
ત્રણ મહિના સરેરાશ વીજબીલ મોકલ્યા બાદ વીજ વિતરણ કંપનીઓએ જૂન મહિનામાં રાડિંગ લઈને બિલ મોકલ્યા હતા. આ બિલ મોટી રકમના હોવાથી ગ્રાહકોને હપ્તામાં ચુકવણી કરવાની સુવિધા આપવી તથા ગ્રાહકોની શંકા અને ફરિયાદનું પૂર્ણપણે નિરાકરણ થાય ત્યાં સુધી અને મોટી રકમના બિલનો વિવાદ ઉકેલાય નહીં ત્યાં સુધી એક પણ ગ્રાહકના વીજમીટરનું જોડાણ કાપવું નહીં એવી સૂચના એમઈઆરસીએ 29મી જૂને આપી હતી. 
મુંબઈમાં લગભગ સાત લાખ ગ્રાહકો ધરાવતી તાતા પાવર કંપનીએ સાન્તાક્રુઝમાં એક ગ્રાહકને 114679 રૂપિયાનું બિલ 20મી જુલાઈ સુધીમાં ન ભરે તો વીજ જોડાણ કાપવાની નોટિસ મોકલી છે. આ બાબતે કંપનીને પૃચ્છા કરતાં જણાવવામાં આવ્યું હતું કે  સંબંધિત ગ્રાહકે મે 2020 સુધી બિલ ભર્યું નથી. ઉપરાંત ગ્રાહક વ્યવસાય શ્રેણીમાં આવે છે. આ ગ્રાહકને ફક્ત બિલ ભરવા અંગે યાદ અપાવવા માટે નોટિસ બજાવવામાં આવી છે. ગ્રાહકો પર આ રીતે નોટિસ બજાવવામાં એમઈઆરસીની માર્ગદર્શક સૂચનાનુસાર કોઈપણ નિર્બન્ધ નથી એવો દાવો તાતા પાવર દ્વારા કરવામાં આવ્યો છે. 
Published on: Fri, 10 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer