એમએમઆરમાં પ્રથમ ખાનગી પ્લાઝમા બૅન્ક નાલાસોપારામાં

એમએમઆરમાં પ્રથમ ખાનગી પ્લાઝમા બૅન્ક નાલાસોપારામાં
મુંબઈ, તા. 9 : ગંભીર દરદીને પ્લાઝમા થેરપી આપવા માટે મુંબઈ મેટ્રોપોલિન રિજન(એમએમઆર)માં અને સંભવત: રાજ્યમાં પ્રથમ ખાનગી પ્લાઝ્મા બૅન્ક નાલાસોપારામાં બુધવારે શરૂ થઈ હતી. જો કે સ્વતંત્ર પ્લાઝમા બેંકને કારણે પ્લાઝમાની કિંમતનો પ્રશ્ન સપાટી પર આવ્યો છે. નાલાસોપારાની આ સાથિયા બ્લડ બેંકે 20,000 રૂપિયા જેટલા ચાર્જ નિયત કર્યા છે. 
પ્લાઝમા થેરપી મોટાભાગે હજી ક્લિનિકલ ટ્રાયલ પૂરતી મર્યાદિત છે, જો કે તાકીદના ઉપયોગ માટે 13 જૂને પરવાનગી અપાઈ હતી. વસઈગાંવના રહેવાસી અને સરકારી કર્મચારી 4પ વર્ષિય ભૂષણ વર્તકને પ્લાઝમા ડોનેટ કરવામાં સાથિયા બેંકને સફળતા મળી હતી. 
વસઈના એક ગંભીર કોરોના દરદીને આ પ્લાઝમાનો પ્રથમ ડૉઝ ઈન્જેકશન રૂપે આપવામાં આવ્યો છે અને અમને આશા છે કે તે જલ્દી સાજા થશે,એમ બ્લડ બેંકના ચેરપરસન વિજય મહાજને જણાવ્યું હતું . 
કોરોનાના ગંભીર દરદીઓ પર પ્લાઝમા થૅરપી અજમાવવામાં આવી રહી છે. કોરોનાના સાજા થયેલા દરદીના પ્લાઝમામાં એન્ટીબોડી તૈયાર થાય છે અને એ કોરોનાના દરદીને આપવાથી સાજો થઈ શકે છે. 
જોકે પ્લાઝમા ફ્રી નથી.વસઈ વિરાર પાલિકાની કોરોના હોસ્પિટલોમાં સારવાર લેતા દરદી પાસેથી 200 મિલીલિટર પ્લાઝમાના 15,000 રૂપિયા વસૂલવામાં આવશે.
ખાનગી હોસ્પિટલ 200 એમએલ માટે 20,000 રૂપિયા વસૂલશે.દાતાને કદરરૂપે કાર્ડ અને 2,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ અપાશે જે તે એક વર્ષમાં પોતાના કે પરિવારના પ્લાઝમા માટે વાપરી શકશે. મહાજને કહ્યું હતું કે પ્લાઝમાની કિંમત પર કોઈ ભાવમર્યાદા નથી. 
Published on: Fri, 10 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer