આજથી સુરતમાં હીરાબજારો શરૂ થશે

આજથી સુરતમાં હીરાબજારો શરૂ થશે
ઓટલા પર બેસીને હીરાની લે-વેચ કરી શકાશે નહિ 
હીરાબજાર માટે નવી કડક ગાઇડલાઇન જાહેર 
સુરત તા. 9 : આવતીકાલથી ફરીથી સુરતની ત્રણેય હીરાબજારો ધમધમશે. કોરોના સંક્રમણના કારણે હીરાબજારને બંધ કરવાનો આદેશ અપાયો હતો. હવે ફરી ઉદ્યોગને ધમધમતો કરવાની તૈયારીઓ કરાઇ રહી છે. કોરોના મહામારીને લઇને હીરાઉદ્યોગ માટે નવી ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે. જેનું કડક અમલીકરણ કરાવાશે. અનલોક 1.0માં લોકોની બેદરકારીનાં કારણે શહેરમાં સંક્રમણ વધ્યું હતું. આજે પણ સુરતમાં ત્રણ આંકડામાં કેસ નીકળી રહ્યા છે. સંક્રમણ વચ્ચે હીરાબજારો આવતીકાલથી શરૂ થશે અને આગામી સપ્તાહથી હીરાના કારખાનાઓ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.  
રાજ્ય સરકારે હીરા અને કાપડઉદ્યોગ માટે અલગથી માર્ગદર્શિકા બહાર પાડવાની જાહેરાત કરી હતી. નવી ગાઇડલાઇન મુજબ હીરાબજારમાં પહેલાની કામકાજ થઇ શકશે નહિ. અગાઉ હીરા લે-વેચની પ્રવૃત્તિઓ જાહેરમાં દુકાનોની બહાર ઓટલા પર બેસીને થતી હતી. નવા નિયમ મુજબ ઓટલા પર બેસીને વ્યવસાયિક પ્રવૃત્તિ થઇ શકશે નહિ.  
આરોગ્ય મંત્રી કુમાર કાનાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ એસઓપી જાહેર કરવામાં આવી છે. જે મુજબ જાહેરમાં લે-વેચ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. તેમજ બજારની શેરીઓમાં તથા ઓફિસોની પ્રત્યેક કેબિનમાં એક સાથે ચાર કે તેથી વધુ વ્યકિતઓ ભેગા થઈ શકશે નહી. તમામ ઓફિસો બપોરે બે કલાક થી સાંજે 6 કલાક સુધી ચાલુ રાખી શકાશે. હીરા બજારના દરેક ઓફિસના કર્મચારીઓને આઈડેન્ટીટી કાર્ડ ઈસ્યુ કરવાના રહેશે. 
બિમાર તથા બિમારીના લક્ષણ ધરાવતા તથા 60 વર્ષથી વધુ વયના( હાઈપર ટેન્શન, ડાયાબીટીશ વિગેરે જેવા બિન ચેપી રોગોવાળા) વ્યકિતઓને કામ ઉપર આવવા દેવાના રહેશે નહી. માઈક્રોકન્ટેઈનમેન્ટ વિસ્તારમાંથી કોઈ પણ કારીગર કામ ઉપર આવી શકશે નાહિં. શહેર બહારથી આવતા કોઈ પણ વ્યકિત રાજય સરકારની ગાઈડ લાઈન મુજબ 14 દિવસ કોરન્ટાઈન 2હયા પછી જ કામ ઉપર આવી શકશે. તમામ ટ્રેડીગ યુનિટ કે ઓફિસો કર્મચારીનું નોંધણી રજીસ્ટર બિલ્ડીંગના ગેટ પર રાખવાનું રહેશે. ટ્રેડીંગ યુનિટ કે ઓફિસોમાં યોગ્ય પ્રમાણમાં નેચરલ કોસ વેન્ટીલેશનની વ્યવસ્થા કરવાની રહેશે .જે યુનિટ રૂમમાં નેચરલ વેન્ટીલેશન વિનાના યુનિટ કે કારખાનામાં એક્ઝોસ્ટ ફેન ફરજીયાત, ટ્રેડીંગ યુનિટ ઓફિસોમાં કામ કરનાર કર્મચારીઓ વચ્ચે એક મીટર જેટલું સોશ્યલ ડીસ્ટન્સ જરૂરી તે મુજબ ઓફિસના ફર્નીચરના લે -આઉટમાં ફેરફાર કરવાનો રહેશે.  
નવા નિયમ મુજબ દસ થી વધુ સંક્રમિત જણાશે તે બજારને બંધ કરવામાં આવશે. મનપાની ટીમ તબક્કાવાર સરપ્રાઇસ ચેકીંગ કરીને નિયમોનું પાલન થાય છે તે જોશે.
Published on: Fri, 10 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer