સૂરમા ભોપાલી ફેમ અભિનેતા જગદીપનું અવસાન

સૂરમા ભોપાલી ફેમ અભિનેતા જગદીપનું અવસાન
મુંબઈ, તા 9 (પીટીઆઈ) પાન ખાઈને લાલ થયેલા હોઠ અને મસ્તીભરી આંખો સાથે શોલેના સૂરમા ભોપાલીના પાત્રને અમર કરી દેનાર પીઢ અભિનેતા જગદીપનું બુધવારે 81 વર્ષની વયે તેમના નિવાસસ્થાને અવસાન થયું. અભિનેતાની તબિયત છેલ્લા થોડા સમયથી સારી રહેતી ન હોવાનું તેમના મિત્ર અને નિર્માતા મહેમૂદ અલીએ જણાવ્યું હતું. અલીએ કહ્યું કે બુધવારે રાત્રે 8.30 વાગ્યે તેમના બાન્દ્રાસ્થિત નિવાસસ્થાને અવસાન થયું હતું. તેમને વૃદ્ધાવસ્થા સંબંધિત બિમારીઓ હતી. ભાયખલાસ્થિત કબ્રસ્તાનમાં અંતિમવિધિ કરાઈ હતી.
જ્હૉની વૉકર અને મહેમૂદ જેવા સિનિયર કૉમેડિયનોની પરંપરા જાળવનાર આખરી કૉમેડિયન કહી શકાય એવા જગદીપે 400થી વધુ ફિલ્મોમાં યાદગાર ભૂમિકાઓ ભજવી હતી. 
સૈયદ ઇશ્તિયાક અહમદ જાફરીએ જગદીપ નામે 1951માં આવેલી અફસાના ફિલ્મથી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. ફિલ્મ સર્જક બી.આર. ચોપરાની પણ દિગ્દર્શક તરીકેની આ પહેલી ફિલ્મ હતી. 
એક ઇન્ટરવ્યુમાં જગદીપે જણાવ્યું હતું કે, એની માતા અનાથાશ્રમમાં રસોઈ બનાવવાનું કામ કરતી ત્યારે માને સહાયરૂપ બનવા 6-7 વર્ષનો જગદીપ અફસાનાના સેટ પર પહોંચ્યો. એને મહેનતાણા રૂપે 3 રૂપિયા મળ્યા હતા. આ રકમ જ્યારે સંવાદવાળી ભૂમિકા મળી ત્યારે વધીને બમણા થઈ હતી. 
પિતાની અભિનય યાત્રા વિશે જણાવતા અભિનેતા જાવેદ જાફરીએ કહ્યું હતું કે જગદીપની નિયતિમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી જ લખાઈ હતી. 
મારા પિતા નાના હતા ત્યારે દેશના ભાગલા બાદ નોકરી શોધતા હતા. તેમને જ્યારે કોઈએ પૂછ્યું કે ફિલ્મમાં કામ કરવા માંગે છે, ત્યારે તેમણે કહ્યું મારે નોકરી સાથે મતલબ છે. તેઓ રસ્તા પરથી સીધા ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે જાણીતા થયા. તેમના નસીબમાં જ ફિલ્મ ઇન્ડસ્ટ્રી લખાઈ હતી અને એ જ તેમનું ભાગ્ય હતું. 
અફસાના બાદ જગદીપે કે.એ. અબ્બાસની મુન્ના, ગુરૂ દત્તની આરપાર અને બિમલ રૉયની દો બિઘા ઝમીંનમાં નાના મોટા પાત્રો ભજવ્યા હતા. 
ભાભી અને બરખા જેવી ફિલ્મોમાં તેમણે હીરો તરીકે કામ કર્યું. જોકે 1968માં આવેલી શમ્મી કપૂર સ્ટારર બ્રહ્મચારીએ તેમને કૉમેડિયન તરીકે સ્થાપિત કર્યા. તેમની કૉમિક ટાઇમિંગ, મોટું સ્માઇલ, અનોખી ડાયલોગ ડિલિવરી અને ચહેરાના હાવભાવને કારણે ફિલ્મોમાં તેમની હાજરી અનિવાર્ય બની ગઈ હતી. 
જગદીપની કરિયરમાં 1975માં આવેલી બ્લૉક બસ્ટર શોલેનું સૂરમા ભોપાલીનું પાત્ર હકીકતમા આઇકોનિક હતું, અને એનું કારણ સલીમ-જાવેદના તાલસૂરવાળા સંવાદો. હમારા નામ સૂરમા ભોપાલી ઐસે નહીં હૈ. પાત્ર એટલું લોકપ્રિય બન્યું કે સૂરમા ભોપાલી અભિનેતાનું તખલ્લુસ બની ગયું હતુ. 
જગદીપ સારી રીતે જાણતા હતા કે બૉલિવુડની મેઇનસ્ટ્રીમની ફિલ્મ હોય કે રામસે બ્રધર્સની હૉરર મૂવી પુરાના મંદિર કે પછી કૉમેડી અંદાજ અપના અપના (જેમાં તેમણે સલમાન ખાનના પિતા બાંકેલાલ ભોપાલીની ભૂમિકા ભજવી હતી) દ્વારા લોકોને કેવી રીતે હસાવવા. 
અભિનેતા અજય દેવગણ, મનોજ બાજપેયી, આયુષ્માન ખુરાના, સંજય મિશ્રા, જ્હૉની લીવર અને દિગ્દર્શક હંસલ મહેતાએ સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજાલિ આપી હતી. 
1991માં આવેલી ફિલ્મ ફૂલ ઔર કાંટેમાં જગદીપ સાથે કામ કરનાર અજય દેવગણે લખ્યું હતું કે, સિનિયર કલાકારોને ક્રીન પર જોવાની અનેરી મોજ હોય છે. તેમણે દર્શકોને ઘણી મોજ કરાવી છે. જાવેદ અને સમગ્ર પરિવારજનો પ્રત્યે મારી સંવેદના. જગદીપસાબના આત્માની શાંતિ માટે પ્રાર્થના. 
બાળપણમાં તમારી ફિલ્મોમાં જોયેલા તમારા પર્ફોર્મન્સથી અમે અભિભૂત થઈ જતા. પરિવારજનો પ્રત્યે સંવેદનાઓ, એમ મનોજ બાજપેયીએ કહ્યું હતું. 
જ્હૉની લીવર પોતે વિખ્યાત કૉમેડિયન છે એમણે યે રિશ્તા ના તૂટેમાં જગદીપ સાથે ક્રીન શેર કર્યો હતો. એમણે કહ્યું, તમે અમને ઘણા યાદ આવશો, આપના આત્માને પ્રભુ શાંતિ અર્પે. પરિવારજનોને ઇશ્વર શક્તિ આપે. 
તો આયુષ્માન ખુરાનાએ લખ્યું હતું, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આપેલું યોગદાન હંમેશ યાદ રહેશે. 
હાસ્ય માટે આભાર. મને ઘણી ફિલ્મો પસંદ પડી છે એ તમારા કારણે જગદીપ સર. પણ જે રીતે અમને મુકીને જતા રહ્યા એ ન ગમ્યું સૂરમા ભોપાલી. તમે તમારૂ પૂરૂં જીવન ફિલ્મ ઇન્ડસ્ટ્રીને સમર્પિત કર્યું. તમે કામયાબ છો, એમ સંજય મિશ્રાએ લખ્યું હતું. જગદીપે સૂરમા ભોપાલી નામની ફિલ્મનું દિગ્દર્શન પણ  કર્યું હતું.  
જગદીપની અંતિમવિધિ ભાયખલાસ્થિત કબ્રસ્તાનમાં બપોરે અઢી વાગ્યે કરવામાં આવી હોવાનું સૂત્રએ જણાવ્યું. અંતિમવિધિમાં 10-12 જણે હાજરી આપી હતી. જેમાં પુત્રો અભિનેતા જાવેદ, નિર્માતા નાવેદ, પૌત્ર મિઝાન અને ઇન્ડસ્ટ્રીના સાથીદાર જ્હૉની લીવર ઉપસ્થિત રહ્યા હતા.
Published on: Fri, 10 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer