`સામના'' હવે માત્ર શિવસેના જ નહી પણ કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદીને પણ સંભાળે છે : ફડણવીસ

`સામના'' હવે માત્ર શિવસેના જ નહી પણ કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદીને પણ સંભાળે છે : ફડણવીસ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 9 : શિવસેનાના નેતા સંજય રાઉતએ રાષ્ટ્રવાદી કૉંગ્રેસના વડા શરદ પવારની લીધેલી મુલાકાત શિવસેનાના મુખપત્ર `સામના'માં `એક શરદ ! સઘળે ગારદ' (ગારદ એટલે અદૃશ્યકે ખતમ થઈ જવું) એ શીર્ષક હેઠળ પ્રકાશિત થવાની છે. તે અંગે ભાજપના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું છે કે- ઉદ્ધવજી પણ `ગારદ' શા માટે ? `સામના' કમનસીબે ફક્ત ઠાકરે સરકારને સંભાળવાનું કામ કરે છે. અગાઉ `સામના' ફક્ત શિવસેનાનું મુખપત્ર હતું, પરંતુ હવે તે શિવસેના, કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી એ ત્રણેય પક્ષોનું મુખપત્ર છે.
કોરોનાના ઉપદ્રવ અને દરદીઓને અપાતી તબીબી સગવડોની જાણકારી મેળવવા ફડણવીસ હાલ જળગાંવની મુલાકાતે ગયા હતા. ગઈકાલે રાત્રે તેમની મોટરકારને મામુલી અકસ્માત નડયો હતો. ફડણવીસે આજે ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે આપણે કોરોના વાઈરસનો મુકાબલો કરી રહ્યા છીએ. આપણે આંકડાનો સામનો કરવાનો નથી. ઠાકરે સરકાર સતત કોરોનાગ્રસ્તોની અને તેના લીધે મૃત્યુ પામેલાઓની સંખ્યા ઘટાડવા માટેની પેરવી કરતી રહે છે. રાજ્યમાં ટેસ્ટિંગ અને દરદીઓને અપાતી તબીબી સુવિધા વધવી જોઈએ.
`સામના'માં થતી ટીકાનો ઉતર આપતા ફડણવીસે જણાવ્યું હતું કે શિવસેનાના સ્થાપક પ્રમુખ બાળ ઠાકરે નેતૃત્વ અંગેના જે સિદ્ધાંતોનું પાલન કર્યું હતું તે તત્ત્વોનો હવે વિરોધ કરવામાં આવે છે એટલું જ નહીં પરંતુ તે તત્ત્વોને છાવરવામાં પણ આવે છે.
પારનેરમાં શિવસેનાના નગરસેવકો દ્વારા પક્ષાંતર અને પછી ઘરવાપસી અંગે ફડણવીસે જણાવ્યું હતું કે આ મહાવિકાસ આઘાડી કઈ દુનિયામાં જીવે તે જ ખબર નથી. 
આ ત્રણેય પક્ષોએ સંગઠિત થઈને કોરોનાનો સામનો કેવી રીતે કરવો તેનો વિચાર કરવો જોઈએ, એમ ફડણવીસે ઉમેર્યું હતું.
Published on: Fri, 10 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer