કવૉરેન્ટાઈનના દિવસોની પ્રોત્સાહક રકમ પાલિકાએ કાપી લેવાતાં રેસિડન્ટ ડૉક્ટરોમાં રોષ

મુંબઈ, તા. 12 : આ મહિને જે રેસિડેન્ટ ડૉકટરો કવૉરેન્ટાઈનમાં હતા તેમની એ દિવસોની પ્રતિ દિન 300 રૂપિયા લેખે  પ્રોત્સાહક રકમ મહાપાલિકાએ કાપી લેતાં ડૉક્ટરોમાં નારાજગી ફેલાઈ છે. 
તપાસ કરતાં તેમને જણાવાયું હતું કે તેમને કવૉરેન્ટાઈન સમય માટે કોઈ ઈન્સેન્ટિવ નહીં મળે પણ ડૉકટરોએ જણાવ્યું હતું કે આ પગલું અન્યાયી છે કારણકે એ સમય પણ તેમની ફરજનો ભાગ હતો. 
નાયર હોસ્પિટલમાં ડૉકટરો સાત દિવસ કામ કરે છે અને એ પછીના સાત દિવસ કવૉરેન્ટાઈનમાં રહે છે. અહીંના એક ડૉકટરે કહ્યું હતું કે અમને મે મહિના માટે 100 ટકા ઈન્સેન્ટિવ સાથે સ્ટાઈપન્ડ મળ્યું હતું. આ મહિને અમને માત્ર સ્ટાઈપન્ડ જ મળ્યું  છે પ્રોત્સાહન પેટે એક પૈસો મળ્યો નથી. વહીવટીતંત્રે અમને કહ્યું કે, અમે કામ કરીએ એટલા જ દિવસ માટે ઇન્સેન્ટિવ મળશે. મહારાષ્ટ્ર એસોસિએશન અૉફ રેસિડેન્ટ ડૉક્ટર્સના એક પ્રતિનિધિએ કહ્યું  હતું કે, એક તરફ તેઓ અમને કોરોનાયોદ્ધા કહે છે અને બીજી તરફ અમારી સાથે આવું વર્તન કરે છે. અમે છેલ્લા ત્રણ મહિનાથી સતત કામ કરી રહ્યા છીએ.  
ડિરેકટોરેટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચના વડા ટી પી લહાનેએ કહ્યું હતું કે ડૉકટરો મને મળ્યા હતા. મેં તેમને જણાવ્યું હતું કે કવૉરેન્ટાઈનનો સમય તેમની ફરજનો જ એક ભાગ છે. મેં તેમનો પત્ર પાલિકાને મોકલી આપ્યો છે અને તેમને સંપૂર્ણ ઈન્સેન્ટિવ મળે એવી ભલામણ કરી છે. આશા છે કે પાલિકા ઘટતું કરશે. 
Published on: Mon, 13 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer