ઓળખ-ભૂલને કારણે મલાડના દંપતિને અપશબ્દોભર્યા કૉલ્સ

મુંબઇ, તા. 12:  ઓળખ-ભૂલના કેસમાં મલાડના એક પરિવારને છત્રપતિ શિવાજી મહારાજ વિશે અયોગ્ય ટિપ્પણી કરનારા સ્ટેન્ડ-અપ કોમેડિયનથી નારાજ લોકોના અપશબ્દોનો સામનો કરવો પડ્યો છે. હાસ્ય કલાકાર અગ્રિમા જોશુઆનો શિવાજી મહારાજ વિષયક એક જૂનો વિડિયો વાયરલ થયા પછી, મલાડના આ પરિવારની વ્યક્તિગત વિગતો ફેસબુક પર પોસ્ટ કરવામાં આવી હતી, જેને  અગ્રિમા સાથે કોઇ જ સંબંધ નથી. 
મલાડ (પશ્ચિમ)ના એસ વી રોડ પર રહેતા પંકજ અને નીલા મોદી સાથે દુર્વ્યવહાર કરતા દેશભરમાંથી કોલ આવી રહ્યા છે. પંકજ મોદીએ કહ્યું હતું કે પહેલા મારી પત્નીને કોલ આવવા લાગ્યા, અમે તેમને અવગણ્યા. બાદમાં અમે કેટલાક કોલરો સાથે વાત કરી અને સમજાયું કે તેઓ અમને તેવું વિચારીને કોલ કરે છે કે આ જોશુઆનો નંબર છે.  
મોદીએ મલાડ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને ફરિયાદ નોંધાવી તેની પત્નીનો નંબર લીક કરનાર વ્યક્તિ સામે કાર્યવાહી કરવા માગણી કરી છે. મોદીના જણાવ્યા પ્રમાણે મારો પુત્ર ન્યૂ ઝીલૅન્ડમાં એમબીએ કરે છે.  તે લૉકડાઉનને કારણે અટવાયો છે. ફોન કરનારાઓને તેના ફેસબુક પેજ પરથી આ કડી મળી હોવી જોઇએ. સોશ્યલ મીડિયામાં નંબર લીક થયા બાદ આ તકલીફ શરૂ થઇ હતી. 
જોકે પોલીસે આ મામલે ગુનો નોંધ્યો નથી. અમને તેની અરજી મળી છે અને પરિવાર દ્વારા આપવામાં આવેલા પુરાવા અને કડીના આધારે આ મામલાની તપાસ કરીશું, એમ મલાડ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર જ્યોર્જ ફર્નાન્ડિઝે જણાવ્યું હતું. 
Published on: Mon, 13 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer