ઝૂમના વક્તવ્ય પર કૈટેની તીવ્ર પ્રતિક્રિયા

મુંબઈ, તા 12 : કૉન્ફેડરેશન અૉફ અૉલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૈટ) દ્વારા સાતમી જુલાઈએ કેન્દ્ર સરકાર સમક્ષ ઝૂમ પર પ્રતિબંધ મુકવાની માગણી કર્યા બાદ ઝૂમ દ્વારા જારી કરાયેલ એક નિવેદન અંગે કૈટે જણાવ્યું કે, ઝૂમે એના નિવેદનમાં ભારતમાંથી ભેગો થતો ડેટા ભારતમાં જ રખાય છે કે અન્ય દેશમાં રાખવામાં આવે છે, તથા ભારતથી મેળવાયેલો ડેટા ચીનમાં ઝૂમના સર્વર દ્વારા આગળ મોકલવામાં આવે છે કે નહીં એનો ઉલ્લેખ જ કર્યો નથી. આને કારણે ઝૂમની ટેક્નૉલૉજી સામે પ્રશ્નાર્થ ખડો થાય છે. દરમ્યાન, નવમી જુલાઈએ એક ન્યુઝ એજન્સીના રિપોર્ટમાં જણાવાયું હતું કે ભારતીય સેનાએ એના કર્મચારીઓને ઝૂમ સહિત 89 ઍપ્સ તેમના મોબાઇલમાંથી હટાવવાનું જણાવ્યુ છે. બીજી બાજુ, અન્ય દેશોએ ડેટાની સુરક્ષા અંગે ઝૂમ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે, જે ભારતીય વેપારીઓ માટે ચિંતાનો વિષય છે. અને એટલા માટે કૈટે આજે ફરી એક વાર ઝૂમ પર પ્રતિબંધ મુકવાની માંગણી સરકાર સમક્ષ કરી છે. 
કૈટના રાષ્ટ્રીય અધ્યક્ષ બી. સી. ભરતિયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે, ઝૂમનું નિવેદન ચીનના વિદેશ વિભાગના કાર્યાલયના નિવેદન સમાન છે જેમાં જણાવાયું હતું કે તેઓ શાંતિપ્રિય છે અને ગલવાન ઘાટી અનાદિ કાળથી તેમની છે. મલ્ટિનેશનલ કંપની અને દેશ વચ્ચે પોતાની ખોટી વાતો પણ નિવેદન જારી કરી યોગ્ય હોવાનું જણાવતા હોય છે. 
ભરતિયા અને ખંડેલવાલે જણાવ્યું કે ઉપલબ્ધ જાણકારી મુજબ ઝૂમના સૉફ્ટવેર ચીનની ત્રણ કંપનીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે, જેમાંથી બે કંપની ઝૂમની માલિકીની છે. તો ત્રીજી કંપનીની માલિકી અમેરિકન ક્લાઉડ વિડિયો સૉફ્ટવેર ટેક્નૉલૉજી હોવાનું કહેવાય છે પણ એના માલિક કોણ છે, એ અજ્ઞાત છે. 
Published on: Mon, 13 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer