નવી મુંબઈ બનશે દેશનું સૌથી સ્વચ્છ શહેર

પાલિકાને ફાઈવ સ્ટાર રેટિંગ મળ્યું હોવાથી આશાવાદ
મુંબઈ, તા. 12 : રાષ્ટ્રીય સ્તર પર ચાલી રહેલા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત નવી મુંબઈ મહાનગર પાલિકા હવે સ્વચ્છતા સર્વેક્ષણ-2021 માટે સજ્જ છે. 2021માં નવી મુંબઈ દેશનું સૌથી વધુ સ્વચ્છ શહેર હશે એવી આશા નવી મુંબઈ મહાનગર પાલિકા વ્યક્ત કરી છે.  આ બાબતે પાલિકા પ્રશાસને પોતાના અધિકારીઓ અને કર્મચારીઓ માટે એક પ્રશિક્ષણ કાર્યક્રમ પણ રાખ્યો હતો. પાલિકાના તમામ કર્મચારીઓને ઓનલાઈન માધ્યમ દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ-2021 અંગેની માહિતી પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. અત્યાર સુધી 2020ના સ્વચ્છતા સર્વેક્ષણના રાષ્ટ્રીય પુરસ્કાર જાહેર નથી કરી શકાયા. જો કે કચરામુક્ત શહેરોની રાષ્ટ્રીય શ્રેણીમાં નવી મુંબઈ મહાનગર પાલિકાને ફાઈવ સ્ટાર રાટિંગ જરુર મળી ચૂક્યું છે. દેશના પ્રથમ છ શહેરોમાં આ રાટિંગ પ્રાપ્ત કરનાર નવી મુંબઈ મહારાષ્ટ્ર  રાજ્યનું એક માત્ર શહેર છે. 
તાજેતરમાં જ નવી દિલ્હીના નિર્માણ ભવનમાં કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલય દ્વારા એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એમાં કેન્દ્રીય પ્રધાન હરદીપાસિંહ પુરી દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2021નો શુભારંભ કરાયો હતો. આ દરમિયાન 'કચરાનું વર્ગીકરણ-ઘનકચરા વ્યવસ્થાપનનો મૂળમંત્ર' વિષય પર આયોજિત રાષ્ટ્રીય વેબિનારમાં નવી મુંબઈ મહાનગર પાલિકાને વેબ-પ્રસ્તુતિકરણ કરવાનું સન્માન પ્રાપ્ત થયું હતું. આ ઓનલાઈન પ્રસ્તુતિકરણ પાલિકા આયુક્ત અણ્ણાસાહેબ મિસાલે કર્યું હતું. એથી નવી મુંબઈ મહાનગર પાલિકાને રાષ્ટ્રીય સ્તર પર ઓળખ મળી છે. 
સ્વચ્છતા સર્વેક્ષણ 2021 માટે કેન્દ્ર સરકારે અૉનલાઈન કાર્યપ્રણાલી અપનાવવા પર વધુ ધ્યાન આપવાનું સૂચન કર્યું છે. કેન્દ્ર સરકારના નવા દિશા-નિર્દેશો મુજબ પાલિકા પ્રશાસને શહેરોની સ્વચ્છતાની સ્થિતિ જાણવા માટે અમુક ચોક્કસ સમય પૂરતું ધ્યાન આપવાને બદલે સતત ધ્યાન આપવા માટે જણાવ્યું છે. સતત ધ્યાન આપવાથી શહેરોની દૈનિક સ્વચ્છતાની સ્થિતિ વધુ બહેતર થવાની આશા કેન્દ્ર સરકારે વ્યક્ત કરી છે. 
Published on: Mon, 13 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer