`ખતરોં કે ખિલાડી''ની નવી સિઝન છે `મેડ ઈન ઈન્ડિયા''

`ખતરોં કે ખિલાડી''ની નવી સિઝન છે `મેડ ઈન ઈન્ડિયા''
સાહસપ્રિય દર્શકોના માનીતા રિયાલિટી શો ખતરોં કે ખિલાડીની નવી સિઝન પહેલી ઓગસ્ટથી દર શનિ-રવિ રાતના નવ વાગ્યે કલર્સ ટીવી પરથી પ્રસારિત થવાની છે. સામાન્ય રીતે આ શોનું શાટિંગ વિદેશમાં થતું હોય છે. પરંતુ આ પહેલીવાર ખતરોં કે ખિલાડીનું શાટિંગ ભારતમાં કરવામાં આવ્યું છે અને એટલે જ તેને નામ આપવામાં આવ્યું છે  ખતરોં કે ખિલાડી- મેડ ઈન ઈન્ડિયા. 
આ શોનો સંચાલક રોહિત શેટ્ટી છે પરંતુ પહેલા અઠવાડિયામાં રોહિતને બદલે ફરાહ ખાન શોનું સચાલન કરતી જોવા મળશે. આ ઉપરાંત દેસી અવતારના આ શોમાં તેની અગાઉની સિઝનના ખિલાડીઓ જ સ્પર્ધકો તરીકે જોવા મળશે. કરણ વાહી, રિત્વિક ધન્જાની, હર્ષ લીંબાચીયા, કરણ પટેલ, નિયા શર્મા, જાસ્મીન ભસીન, એલી ગોની અને જય ભાનુશાળી પોતાના ડરને દૂર કરવા જોવા મળશે. 
ખતરોં કે ખિલાડીની અગાઉની સિઝનમાં એકશનપેક્ડ સ્ટન્ટ્સ અને અંડરવૉટર કારનામા જોવા મળ્યા છે. 
હવે આ વખતે શોમાં ફિલ્મી તત્વને ઉમેરવા જુલ્મ સિટી, પુરાની હવેલી, ગોલમાલ ઝોન, તહેખાના, દરવાઝા-એઊદર્દ અને વિલન કા અડ્ડા જેવા સ્પેશિયલ ઝોન ઉમેરવામાં આવ્યા છે. 
આ ઝોનમાં સ્પર્ધકે ચોક્કસ પ્રકારના સ્ટંટ કરવાના રહેશે. તે સાથે જ દેસી તડકા અને બોલીવૂડની ફિલ્મ જેવી રમૂજ પણ હશે. 
ફરાહે જણાવ્યું હતું કે, મેં વિવિધ પ્રકારના રિયાલિટી શોમાં ભાગ લીધો છે પરંતુ ખતરોં કે ખિલાડીમાં હું હોઈશ એવી તો કલ્પના પણ કરી નહોતી. પરંતુ રોહિત એક અઠવાડિયું નહીં હોય એટલે તેણે મારું નામ સૂચવ્યું અને મને આ તક મળી. 
મારા પિતા સ્ટંટ ફિલ્મો બનાવતા અને મારી ફિલ્મોમાં પણ એકશન દૃશ્યો હોય છે. હું રોહિત જેટલી સાહસી નથી કે સ્ટંટ કરું પરંતુ મેં આ શોની શરૂઆત હળવી રમૂજી શૈલીમાં કરી છે જેથી સ્પર્ધકોને પણ સારું લાગે. 
Published on: Sat, 01 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer