રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર પસંદગી સમિતિમાં સેહવાગ અને સરદારનો સમાવેશ

નવી દિલ્હી, તા.31: ખેલ મંત્રાલયે આજે રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર-2020ની પસંદગી પ્રક્રિયા માટેની સમિતિ જાહેર કરી છે. જેમાં પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગ અને પૂર્વ હોકી કેપ્ટન સરદાર સિંઘ સામેલ છે. આ સમિતિના અધ્યક્ષપદે સુપ્રીમ કોર્ટના સેવાનિવૃત્ત ન્યાયાધીશ મુકુંદમ શર્મા રહેશે. રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર પસંદગી સમિતિના સભ્યોમાં વિરેન્દ્ર સેહવાગ (ક્રિકેટ), સરદાર સિંઘ (હોકી), મોનાલિસા બરૂઆ મહેતા (ટેબલ ટેનિસ), દીપા મલિક (પેરા એથ્લેટિકસ), વૈંકટેશ દેવરાજન (મુક્કેબાજી) સામેલ છે. આ ઉપરાંત કોમેન્ટેટર મનીષ બટાવિયા, ખેલ પત્રકાર આલોક સિંહા અને નીરૂ ભાટિયા પણ સમિતિમાં હશે. 
આ સમિતિ રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ, અર્જુન એવોર્ડ, ધ્યાનચંદ પુરસ્કારના વિજેતાઓની પસંદગી કરશે. આ રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર ખેલ દિવસ પર તા. 29 ઓગસ્ટે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિના હસ્તે એનાયત થતાં હોય છે. જે આ વર્ષે કોરોના મહામારીને લીધે એક કે બે મહિના પછી અપાશે તેવા રિપોર્ટ છે.  
Published on: Sat, 01 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer