આયરલૅન્ડ સામેના પહેલી વન ડેમાં ઇંગ્લૅન્ડનો છ વિકેટે વિજય

આયરલૅન્ડ સામેના પહેલી વન ડેમાં ઇંગ્લૅન્ડનો છ વિકેટે વિજય
ડેવિડ વિલેની પાંચ વિકેટથી આયરલૅન્ડ 172માં ડૂલ
સાઉથમ્પટન, તા.31: પ્લેયર ઓફ ધ મેચ ફાસ્ટ બોલર ડેવિડ વિલેની પાંચ વિકેટ અને સેમ બિલિંગ્સની 67 રનની ઇનિંગની મદદથી ઇંગ્લેન્ડે આયરલેન્ડ વિરૂધ્ધના પહેલા ડે-નાઇટ વન ડે મેચમાં 6 વિકેટે આસાન જીત મેળવી હતી. આથી ત્રણ મેચની શ્રેણીમાં ઇંગ્લેન્ડ 1-0થી આગળ થયું છે. આયરલેન્ડની ટીમ 44.4 ઓવરમાં 172 રને ઓલઆઉટ થઇ હતી. જવાબમાં ઇંગ્લેન્ડની ટીમે 27.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. કોરોના મહામારી વચ્ચે ઇંગ્લેન્ડ-આયરલેન્ડ વચ્ચેની વન ડે સિરિઝ ખાલી સ્ટેડિયમમાં રમાઇ રહી છે. જેમાં આઇસીસીના નવા નિયમોનું ચુસ્ત પાલન થઇ રહ્યં છે.
173 રનના વિજય લક્ષ્યાંક સામે ઇંગ્લેન્ડની ટીમે 59 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. બેયરસ્ટો 2, જેસન રોય 34 અને જેમ્સ વિંસે 25 રન આઉટ થયા હતા. આ પછી ટોમ બટન (11) પણ સસ્તામાં પાછો ફર્યોં હતો. આથી ઇંગ્લેન્ડે 78 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. બાદમાં સેમ બિલિંગ્સ અને સુકાની ઇયોન મોર્ગન વચ્ચે પાંચમી વિકેટમાં 96 રનની અતૂટ ભાગીદારી થઇ હતી. બિલિંગ્સે 54 દડામાં 11 ચોક્કાથી અણનમ 59 અને સુકાની મોર્ગને 40 દડામાં ચાર ચોક્કા અને બે છક્કાથી અણનમ 36 રન કર્યાં હતા.
આ પહેલા આયરલેન્ડે 79 રનમાં 7 વિકેટ ગુમાવી દીધા બાદ 172 રન કર્યાં હતા. જેમાં કર્ટિસ કેમ્પરના અણનમ 59 રન મુખ્ય હતા. તેના અને એન્ડી મેકબ્રાઇન (40) વચ્ચે આઠમી વિકેટમાં 66 રનની ભાગીદારી થઇ હતી. ઇંગ્લેન્ડ તરફથી ડેવિડ વિલેએ 30 રનમાં 5 વિકેટ લીધી હતી. બન્ને ટીમ વચ્ચેનો બીજો વન ડે શનિવારે રમાશે.
Published on: Sat, 01 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer