તાતા મોટર્સની ખોટ વધીને રૂ. 8438 કરોડની થઈ

મુંબઈ, તા. 31 : તાતા મોટર્સે જૂન 2020માં પૂરા થયેલા પહેલા ત્રિમાસિકમાં રૂ. 8,437.99 કરોડની ચોખ્ખી ખોટ કરી છે. એનલિસ્ટ્સના અંદાજ કરતાં આ ખોટ ઘણી વધારે છે. કંપનીએ ગયા વર્ષના સમાન ગાળામાં રૂ. 3,698.34 કરોડની ખોટ કરી હતી. 
આ ગાળામાં કંપનીની કુલ આવક 47.94 ટકા ઘટીને રૂ. 31,983.06 કરોડની થઈ છે. કંપની પ્રવક્તાએ કહ્યું કે કોવિડ-19ને કારણે અનેક દેશોમાં લોકડાઉન લંબાઈ રહ્યું હોવાથી કંપનીનું ભાવિ અનિશ્ચિત છે. જોકે, આવનારા મહિનાઓમાં માગ અને પૂરવઠામાં તબક્કાવાર સુધારો જોવાશે.  પ્રવક્તાએ કહ્યું કે કંપની આવનારા મહિનાઓમાં બિઝનેસને ડિલીવરેજ કરવા માટે પ્રતિબદ્ધ છે અને સકારાત્મક મૂડી પ્રવાહ સર્જન કરવાનું લક્ષ્ય છે. 
જગુઆર લેન્ડ રોવર (જેએલઆર)ની કુલ આવક 44 ટકા ઘટીને 2.9 અબજ પાઉન્ડની થઈ છે. કંપનીએ 413 મિલીયન પાઉન્ડની વેરા પહેલાની ખોટ કરી છે.  તાતા મોટર્સે રૂ. 6000 કરોડનો કેશ ઈપ્રુવમેન્ટ પ્રોગ્રામ જાહેર કર્યો છે જેમાં રૂ. 1500 કરોડના ખર્ચ સુધારાનો પણ સમાવેશ છે. વર્ષ 2021 માટે મૂડી ખર્ચ રૂ. 1500 કરોડ જેટલો રહેવાની ધારણા છે. આને પગલે વર્ષના બાકી રહેલા સમય માટે નાણા પ્રવાહ સુધરશે.  સીઈઓ અને મેનાજિંગ ડિરેક્ટર ગંટર બટશેકે કહ્યું કે કોવિડ-19ને કારણે ઓટો ઉદ્યોગ ઉપર માઠી અસર થઈ છે. લોકડાઉનને કારણે અને પૂરવઠા સાંકળ અટવાઈ જવાથી ઘણી અડચણ સર્જાઈ હતી. જોકે, પેસેન્જ વાહન સેગમેન્ટમાં ધીમો સુધારો જોવાઈ રહ્યો છે અને કોમર્સિયલ વાહન સેગમેન્ટમાં પણ સંપૂર્ણ સુધારાની ઉદ્યોગને આશા છે.
Published on: Sat, 01 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer