એસબીઆઈના જૂન ''20 ત્રિમાસિક નફામાં 81 ટકાનો હાઈ જમ્પ

વ્યાજની ચોખ્ખી આવક વાર્ષિક ધોરણે 16 ટકા વધી
વિશ્લેષકોની ધારણા કરતાં વધુ નફો
અમારા પ્રતિનિધિ તરફથી  
મુંબઈ, તા. 31 જુલાઈ
દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)એ જૂન 2020 ત્રિમાસિકના પ્રોત્સાહક પરિણામોં રજૂ કરીને બેન્કિગ ક્ષેત્રે એનપીએ વધવાના અને નફા ઘટવાના નિરાશાજનક વાતાવરણમાં આશાનું કિરણ જગાવ્યું છે. અનેક કારણ રજૂ કર્યા છે. થોડા દિવસ પહેલા સૌથી મોટી ખાનગી ક્ષેત્રની એચડીએફસી બેન્કે નફામાં 20 ટકાની વૃદ્ધિ આપ્યા પછી આજે  એસબીઆઇએ  વ્યાજની ચોખ્ખી આવક વધવાને પગલે નફામાં 81 ટકાની વૃદ્ધિ નોંધાવી હતી.  
એસબીઆઇનો જૂન ત્રિમાસિક નફો વધીને  રૂ. 4189.3 કરોડનો થયો છે, જે આગલા વર્ષના સમાન ત્રિમાસિકમાં રૂ. 2312 કરોડનો હતો. બેન્કની લાઈફ ઈન્સ્યોરન્સ સબસિડિયરીના શેર હિસ્સાનાવેચાણને કારણે પણ નફો વધ્યો હતો. એસબીઆઇ વીતેલા ત્રિમાસિકમાં ડૂબેલા લેણાનું પ્રમાણ ઘટાડી શકી છે અને તે માટેનો અંદાજ પણ જોખમ મુક્ત છે. 
બેન્કની આ ગાળાની વ્યાજની ચોખ્ખી આવક વાર્ષિક ધોરણે 16 ટકા વધીને રૂ. 26,641.5 કરોડની થઈ છે. બેન્કે એનલિસ્ટ્સની ધારણા કરતાં વધુ નફો કર્યો છે. 
ચેરમેન રજનીશકુમાર કુમારે કહ્યું કે જૂનના અંતે બેન્કના મોરેટોરિયમ સ્તરમાં પણ તીવ્ર ઘટાડો થઈને તે 9.5 ટકા થયો છે જે ત્રણ મહિના પહેલાં 30 ટકા હતો. સ્લિપેજીસ રેશિયોને તે પાર નથી ગયો અને બોરોઅર્સના વલણમાં કોઈ મોટો બદલાવ નથી જોવાયો. બેન્ક તેની અસ્કયામતની ગુણવત્તા બાબતે પણ આશાવાદી છે.  
જૂન ત્રિમાસિક માટે એસબીઆઈએ જોગવાઈમાં 36 ટકાની વૃદ્ધિ કરી હતી જે રૂ. 12,501 કરોડની હતી. અન્ય આવક 0.7 ટકા ઘટીને રૂ. 7957 કરોડની થઈ છે.  
રજનીશ કુમારે એ કહ્યું કે આ ગાળામાં બેન્કે કોવિડ-19ને અનુલક્ષી રૂ. 1836 કરોડની વધારાની જોગવાઈ કરી હતી. કુલ જોગવાઈ રૂ. 3008 કરોડની હતી. પહેલા ત્રિમાસિક ગાળા દરમિયાન બેન્કની અસ્કયામતની ગુણવત્તાનો રેશિયો સુધર્યો હતો.  
કુલ ડિપોઝિટ્સ વાર્ષિક ધોરણે 16 ટકા વધીને રૂ. 34.19 લાખ કરોડ અને ધિરાણ 7.6 ટકા વધીને રૂ. 22.98 લાખ કરોડના થયા હતા. બેઝલ- 3 માર્ગરેખા પ્રમાણે કેપિટલ એડિક્વસી રેશિયો 13.4 ટકાએ હતો. અધ્યક્ષે વધુમાં કહ્યું કે મોરેટોરિયમ લોનનો હિસ્સો લોન સામે 15-50 ટકાથી 10-30 ટકાએ સામાન્ય રહેવાની ધારણા છે તેથી અસ્કયામતની ગુણવત્તાનો મુદ્દો વણઉકલ્યો રહેશે. છેલ્લા થોડા મહિનાથી આર્થિક ગતિવિધી શરૂ થઈ છે અને  લેણાંની વસૂલીના પ્રયાસ શરૂ થયા છે ત્યારે મોરેટોરિયમ હેઠળની લોનના પ્રમાણમાં ઘટાડો શરૂ થયો છે.
Published on: Sat, 01 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer