વૈશ્વિક સોનામાં 2012 પછીનો સૌથી મોટો માસિક ઉછાળો

અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 31 : સોનામાં નવેસરથી ઉછાળો આવતા આંતરરાષ્ટ્રીય બજારમાં 1987 ડોલરની ટોચ મેળવી હતી. જોકે આ લખાય છે ત્યારે સોનાનો ભાવ 1977 ડોલરની સપાટીએ રનીંગ હતો. જાન્યુઆરી 2012 પછી સોનામાં સૌથી મોટો માસિક ઉછાળો આવ્યો છે. બીજી તરફ ચાંદીમાં પણ સૌથી મોટો માસિક ઉછાળો જુલાઇ દરમિયાન જોવા મળ્યો છે. ચાંદીનો ભાવ આ લખાય છે ત્યારે 24.20 ડોલર રનીંગ હતો. 
કોરોના વાઇરસની મહામારીને લીધે અમેરિકાનું અર્થતંત્ર પ્રભાવિત થવાની ચર્ચા અને તેના કારણે ડોલરનું મૂલ્ય નીચું જતા સોનામાં લેવાલી નીકળી છે. બીજી તરફ અમેરિકા અને ચીન વચ્ચે તનાવ ચાલી રહ્યો છે એ કારણે પણ સોનાનું પ્રિમિયમ વધ્યું છે. 
વિશ્લેષકો કહે છે, સોનું અત્યારે સૌને આકર્ષક લાગી રહ્યું છે. અન્ય કોઇ રોકાણમાં પૈસા આવે છે તેના કરતા વધારે સોનામાં રોકાય રહ્યા છે. ડોલરના મૂલ્યમાં પાછલા દાયકાનો સૌથી મોટો માસિક ઘટાડો આવવાને લીધે સોનાને ટેકો મળી ગયો છે. ડોલર કરતા સોનાનું મૂલ્ય વળતરની દ્રષ્ટિએ એ કારણે વધી ગયું છે. 
અમેરિકામાં બીજા ત્રિમાસિકમાં બેરોજગારોની સંખ્યામાં સૌથી મોટો વધારો થયો છે. બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે નવેમ્બરમાં યોજાનારી પ્રમુખની ચૂંટણીમાં વિલંબ થવાની શક્યતા હોવાનું નિવેદન આપતા પણ ડોલર નબળો પડ્યો હતો. વિશ્લેષકોના મતે સોનામાં હવે ઝડપથી 2000 ડોલરની વટાવાય એવી શક્યતા દેખાવા લાગી છે. ચાલુ વર્ષે 30 ટકાની તેજી સોનામાં આવી ગઇ છે. 
રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રુ. 500ના સુધારામાં રુ. 55350 અને મુંબઇમાં રુ. 466 વધીને રુ.53743 હતો. ચાંદી રાજકોટમાં એક કિલોદીઠ રુ.1200 વધીને રુ.63200 અને મુંબઇમાં રુ. 2215 ઉંચકાઇને રુ.63975 હતી.
Published on: Sat, 01 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer