વેપારીઓની બેઠી છે માઠી દશા : વેપાર 85 ટકા ઘટી ગયા

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 31 : કોરોના મહામારીને પગલે થયેલા લોકડાઉનના કારણે શહેરના વેપારીઓ આર્થિક મુશ્કેલીમાં મૂકાયા છે. રિટેલ વેપારીઓનાં વેપાર લગભગ 85 ટકા જેટલા ઘટી ગયા છે ત્યારે તેમણે સરકાર સમક્ષ કેટલીક રાહતોની માગણી કરી છે. 
ફેડરેશન અૉફ રિટેલ ટ્રેડર્સ વેલફેર ઍસોસિયેશનના પ્રમુખ વિરેન શાહે જણાવ્યું હતું કે અમે દુકાનો સપ્તાહનાં સાતે દિવસ અને રોજ સવારે 9થી સાંજે 7 વાગ્યા સુધી ખુલી રાખવા દેવાની માગણી કરી છે. હાલ અૉડ-ઈવન તારીખ પ્રમાણે દુકાનો મહિનામાં માત્ર 12 દિવસ ખોલી શકાય છે. તેનાથી વેપારીઓનાં ખર્ચ કેવી રીતે નીકળી શકે? તેમણે કહ્યું હતું કે હાલ માત્ર જરૂરી ચીજો જ વેંચાય છે. લક્ઝરી ચીજો વેંચાતી નથી. લોકલ ટ્રેનો બંધ છે. તહેવારો, સમારોહ, ગૅધરીંગ બધુ બંધ છે. પરિણામે રિટેલ વેપારોને જંગી અસર થઈ છે. 85 ટકા વેપાર ઘટી ગયા છે.
વેપારીઓને વિવિધ રાહતો આપવા આ અગાઉ અમે સરકાર સમક્ષ રજુઆત કરી ચુક્યા છીએ, જેમાં ઈલેક્ટ્રિસિટી પરનો ટૅક્સ માફ કરવા, ડીઝલ-પેટ્રોલ પરનો ટૅક્સ ઓછો કરવા, પ્રોપર્ટી ટૅક્સ ઓછો કરવાનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત કેન્દ્ર સરકારે જીએસટીનાં એકંદરે દર ઓછા કરવા જોઈએ અને આવકવેરામાં પણ રાહત આપવી જોઈએ. કારણકે હાલનાં સંજોગો જોતાં વેપારને રીવાઈવ થતાં હજી ઘણો સમય લાગી શકે છે.
બીજી તરફ લગભગ 90 ટકા દુકાન માલિકોએ ભાડાંમાં 25 થી 30 ટકા ઘટાડો કરી દીધો છે. જેનાથી દુકાનદારોને રાહત થઈ છે.
પાંચમી અૉગસ્ટથી રોજ બધી દુકાનો ખોલવાની મંજૂરી મળશે એવી આશા રાખીએ છીએ.
અનેક વેપારીઓ દિવાળી પછી ધંધા સંકેલી લેશે
મુંબઈના ભૂતપૂર્વ નાયબ મેયર બાબુભાઈ ભવાનજીએ કહ્યું હતું કે અગાઉથી જ તકલીફો ભોગવી રહેલા વેપારીઓની કોરોના મહામારીને પગલે મૂકાયેલા લોકડાઉનથી હાલત અત્યંત કફોડી થઈ છે. છૂટક વેપારીઓ તેમનાં ધંધા સમેટવા માગે છે. કારણ કે તેમને અૉનલાઈન સામે ટક્કર આપવાની છે. માર્જિન તદ્દન ઘટી ગયા છે. ગ્રાહકો વસ્તુ ચેક કરવા દુકાને આવે છે અને પછી અૉનલાઈન વસ્તુ મંગાવે છે.
બાબુભાઈએ કહ્યું હતું કે દુકાનદારોને દુકાનનું ભાડું, લાઈટબિલ, માણસોના પગાર, ચા-પાણી ખર્ચ, લાઈસન્સ ફી અન્ય ખર્ચ ઉપરાંત કરવેરા ભર્યા પછી કમાણી પર 30 ટકા આવકવેરો ભરવો પડે છે પછી તેના હાથમાં બચે શું? અૉનલાઈન વેપારમાં આટલા ખર્ચ નથી.
વેપાર-ધંધાની જગ્યા લઈને બેઠેલા વેપારીને નહીં વેંચાયેલા માલને કારણે પણ નુકસાની થાય છે. પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યાને કારણે અને સમયના અભાવે ગ્રાહકો બજારમાંથી ખરીદી કરવાનું ટાળે છે અને હવે અૉનલાઈન પર પસંદગી ઉતારવા લાગ્યા છે. તેમણે કહ્યું હતું કે ઘણા વેપારીઓ આવતી દિવાળીની કમાણી કરીને તરત દુકાનો કે શૉ રૂમ વેચવાના મૂડમાં જણાય છે આથી દિવાળી પછી દુકાનોના ભાવમાં ઘટાડો થવાનાં એંધાણ વર્તાય છે કારણ કે વેપારમાં થતું નુકસાન તેઓ ભરપાઈ કરી શકે એમ નથી.
દરમિયાન ફેડરેશન અૉફ ઍસોસિયેશન અૉફ મહારાષ્ટ્રે (ફામ) બધી દુકાનો સપ્તાહનાં સાતે દિવસ ખુલ્લી રાખવા દેવામાં માગણી કરી છે.
`ફામ'ના પ્રમુખ વિનેશભાઈ મહેતાએ જણાવ્યું હતું કે રિટેલ, સેમી હૉલસેલ અને હૉલસેલ વેપારીઓ માટે વિશેષ પૅકેજ વહેલી તકે ઘોષિત કરવાની પણ અમે માગણી કરી છે.
`ફામ'નું પ્રતિનિધિમંડળ ગુરુવારે રાષ્ટ્રવાદી કૉંગ્રેસના પ્રમુખ શરદ પવારને મળ્યું હતું અને વેપારીઓની સમસ્યાઓની રજુઆત કરી હતી.
Published on: Sat, 01 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer