કેડીએમસીના ગ્રામીણ વિસ્તારના 13 નગરસેવકોના પદ રદ કરાયા

થાણે, તા 31 : કલ્યાણ-ડોંબિવલી મહાપાલિકાના 27 ગામોમાંથી અલગ કરાયેલા 18 ગામોની કલ્યાણ ઉપનગર પરિષદની સ્થાપના કરવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો હોવાથી આ ગામોનું પ્રતિનિધિત્વ કરનારા 13 નગરસેવકોના પદ આખરે રદ કરાયા છે. મહાપાલિકાના ચૂંટણી વિભાગે આ સંદર્ભે રજૂ કરેલા અહેવાલને પગલે કમિશનર ડૉક્ટર વિજય સૂર્યવંશીએ કાર્યવાહી કરી હતી. 
કેડીએમસીના 27 ગામોમાંથી 18 ગામોને રાજ્ય સરકાર દ્વારા અલગ કરવામાં આવ્યા છે. જેમાં ઘેસર, ઉંબ્રોલી, ભાલ, દ્વારલી, માણોરે, વસાર, આશેળે, નાંદિવલી, આડિવળી-ઢોકળી, દાવડી, ચિંચપાડા, , પિસવલી, ગોળીવલી, માણગાવ, નિળજે, સોનારપાડા અને કોળેનો સમાવેશ થાય છે. 
કલ્યાણ તહેસિલમાંના 27 ગામો વરસોથી માંગણી કરી રહ્યા હતા કે તેમને મહાપાલિકાના કોઈ પણ લાભ મળી રહ્યા ન હોવાથી તેમને કેડીએમસીમાંથી અલગ કરવામાં આવે. આ વરસે માર્ચ મહિનામાં શિવસેનાના નેતૃત્ત્વવાળી મહાવિકાસ આઘાડી સરકારે એક જાહેરનામુ બહાર પાડી 27માંના 18 ગામોને અલગ કરી અલગ કાઉન્સિલની રચના કરી હતી. જ્યારે બાકીના નવ ગામો કેડીએમસીનો હિસ્સો રહેશે. 
પાલિકાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ગુરૂવારે રાત્રે કોકણ ડિવિઝનલ કમિશનરની મંજૂરી મળ્યા બાદ પાલિકા કમિશનરે નગરસેવક પદ રદ કરવાનો આદેશ જારી કર્યો હતો. 
પાલિકાના કમિશનરના આદેશ મુજબ જે નગરસેવકોના સભ્યપદ રદ કરાયા છે એમાં મોરેશ્વર ભોઇર, રમાકાંત પાટિલ, સોની આહિરે, ઊર્મિલા ગોસાવી, કુનાલ પાટિલ, પ્રમિલા પાટિલ, ઇન્દિરા તરે, વિમલ ભોઇર, શૈલજા ભોઇર અને સુનિતા ખંડાગલેનો સમાવેશ થાય છે. નગરસેવકોના સભ્ય પદ રદ કરાયા બાદ 122નું સંખ્યાબળ ધરાવતી પાલિકાના નગરસેવકોની સંખ્યા ઘટીને 109ની થઈ ગઈ છે.
Published on: Sat, 01 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer