એસઆરએ અને બીજા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ અદ્ધરતાલ

એસઆરએ અને બીજા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ અદ્ધરતાલ
છેલ્લા ચાર મહિનાથી ઝાડ કાપવાની એકેય દરખાસ્તને મંજૂરી નહીં
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 31  : પાલિકા ટ્રી અૉથોરિટીમાં છેલ્લા ચાર મહિનાથી ઝાડ કાપવાની એકેય દરખાસ્તને મંજૂરી અપાઈ નથી.
વાસ્તવિક મિટિંગને બદલે વર્ચ્યુઅલ મિટિંગ લેવાનું નક્કી થયું હતું. જોકે એ પણ લેવાઈ નહોતી. ટ્રી અૉથોરિટીની નિક્રિયતા અને અનિર્ણયતાને લીધે અનેક ખાનગી, સરકારી અને સ્લમ રીહેબીલેશન અૉથોરિટી (એસઆરએ)ના પ્રોજેક્ટ ઘોંચમાં પડયા છે. ઝાડ કાપવાની વિચારાધીન દરખાસ્ત ચારથી સાત મહિના જૂની છે. આને લીધે બિલ્ડર, ભાડૂત અને પાલિકા બધાને નુકસાન થઈ રહ્યું છે. ડેવલપરે એસઆરએ પ્રકલ્પ અમુક ચોક્કસ સમયગાળામાં પૂરા કરવાના હોય છે અને આને લીધે ઝૂંપડપટ્ટીવાસીઓને સહન કરવું પડી રહ્યું છે.
કોરોના મહામારીને લીધે પાલિકા કમિશનર ચાર મહિનાથી બીજી બાબતો પર ધ્યાન આપી શકતા નથી. નિયમ તો એમ કહે છે કે એસઆરએ પ્રોજેક્ટ અને 25થી ઓછા ઝાડ કાપવાની દરખાસ્ત મંજૂર કરવાની પાલિકા કમિશનરને સત્તા છે. 25થી વધારે ઝાડ કાપવાની દરખાસ્ત હોય તો જ ટ્રી અૉથોરિટીની મંજૂરી જોઈએ છે.
ટ્રી અૉથોરિટીના ભૂતપૂર્વ સભ્ય કમલેશ શાહે પાલિકા કમિશનરને પત્ર લખીને પેન્ડિંગ દરખાસ્તો અંગે જાણ કરીને એને તરત જ બહાલી આપવાની વિનંતી કરી છે. તેમનું કહેવું છે કે પાલિકા કમિશનરની નિક્રિયતાને લીધે સ્લમમાં રહેતા લોકોને ઘર મોડા મળશે અને ડેવલપર તથા પાલિકાને નુકસાન થશે.
Published on: Sat, 01 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer