એકતાના અભાવે મહાવિકાસ આઘાડી સરકાર લાંબું નહીં ખેંચે : રાજ ઠાકરે

એકતાના અભાવે મહાવિકાસ આઘાડી સરકાર લાંબું નહીં ખેંચે : રાજ ઠાકરે
મુંબઈ, તા. 31 (પીટીઆઈ) : મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસની સહિયારી મહાવિકાસ આઘાડી (એમવીએ) સરકાર લાંબા સમય સુધી ટકશે નહીં કારણ કે સાથીદાર પાર્ટીઓ વચ્ચે એકતાનો અભાવ છે, એમ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ આજે જણાવ્યું હતું.  કોરોના મહામારી વિશે રાજ ઠાકરેએ કહ્યું હતું કે આ રોગ સંબંધે લોકોના મનમાં જે ભય છે તે દૂર કરવો જરૂરી છે. હું આ સરકારનું લાંબુ ભવિષ્ય જોતો નથી. મારી ઇચ્છા નથી કે સરકાર પડી થાય, પણ જે સરકારમાં ભાગીદાર પાર્ટીઓ વચ્ચે એકતા નથી, એકબીજાની સલાહ લેતા નથી, લાંબા સમય સુધી ટકી શકશે નહીં. એક મરાઠી ન્યૂઝ ચેનલ દ્વારા આયોજિત કાર્યક્રમમાં તેમણે આ ટિપ્પણી કરી હતી. 
કોરોનાનો ફેલાવો રોકવા માસ્ક પહેરવા સંબંધી મંતવ્ય આપતા રાજ ઠાકરેએ કહ્યું હતું કે માસ્ક જરૂરી નથી. મનસેના અધ્યક્ષે કહ્યું હતું કે કોરોનાની પરિસ્થિતિની ચર્ચા કરવા મે મહિનામાં મુખ્ય પ્રધાને મંત્રાલયમાં બોલાવેલી તમામ પક્ષની બેઠકમાં ભાગ લેતી વખતે મેં માસ્ક નહોતો પહેર્યો ત્યારે મીડિયાના કર્મચારીઓએ મને પ્રશ્નો પૂછ્યા હતા.  
પત્રકારોએ મને મંત્રાલયની બહાર માસ્ક ન પહેરવા અંગે પૂછ્યું ત્યારે મેં કહ્યું હતું કે તમે માસ્ક અને ગ્લવ્ઝ પહેરીને સમાચાર આપો છો. એ સમયે સમાચાર માધ્યમોના 120 કર્મચારીના ટેસ્ટ કરાયા હતા અને પંચાવન મિડિયાકર્મી માસ્ક પહેર્યા હોવા છતાં પોઝિટિવ આવ્યા હતા. બાદમાં તેઓ સ્વસ્થ થઇ ગયા છે. મારા સ્ટાફના કેટલાકને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો, પરંતુ તેઓ સ્વસ્થ થયા. જો કે હું તબીબી નિષ્ણાત નથી, પરંતુ આપણી સમક્ષ એવા દાખલા છે.
Published on: Sat, 01 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer