ફ્યુચર ગ્રુપની બે કંપની ડિફોલ્ટ : ફ્રેન્કલિન ટેમ્પલટન મુશ્કેલીમાં

મુંબઈ, તા.3 : ફ્યુચર જૂથની બે કંપનીઓ ન્યુફ્યુચર ડિજિટલ (એનડીઆઈએલ) અને ફ્યુચર આઈડિયાઝ (એફસીઆઈએલ) દ્વારા પેમેન્ટ નિષ્ફળ જવાના પગલે ફ્રેન્કલીન ટેમ્પલટન એમએફની ચાર ડેબ્ટ સ્કિમ્સની નેટ એસેટ્સ વેલ્યુ (એનએવી)માં ગયા શુક્રવારે 4.85 ટકાનું ગાબડું જોવા મળ્યું હતું.  
જે છ સ્કીમ બંધ થવામાં છે તેમાંથી ચાર એનડીઆઈએલ, એફસીઆઈએલને ધિરાણ અપાયું છે જ્યારે રિવાઝ ટ્રેડ વેન્ચર (આરટીવીપીએલ) ગુરુવારે તેનું પેમેન્ટ કરવામાં સફળ રહી હતી.  
એક નિવેદનમાં આ ફન્ડ હાઉસે જણાવ્યું છે કે ફ્યુચર ગ્રુપની આ બે કંપનીઓ દ્વારા પેમેન્ટ ડિફોલ્ટ થવાથી તેમની સિક્યુરિટીઝનું મૂલ્ય શૂન્ય થયું છે.  
જોકે, આ એક નિર્દેશ તરીકે છે, ફન્ડ હાઉસે આ બંને કંપનીઓનું પેમેન્ટ ઘટાડયું નથી અથવા તેને માંડી વાળ્યું નથી. આ બંને કંપનીઓ ફન્ડ હાઉસને પેમેન્ટ કરવા બંધાયેલી છે, એમ ફ્રેન્કલીન ટેમ્પલટને જણાવ્યું હતું.  
ફન્ડ હાઉસનું માનવું છે કે મીડિયા રિપોર્ટ મુજબ જો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ફ્યુચર ગ્રુપની કંપનીઓને હસ્તગત કરશે તો આ બે કંપનીઓને ફાયદો થશે. 
વિશ્વમાં નામ ધરાવતા સૌથી મોટા મ્યુચ્યુઅલ ફન્ડ હાઉસીસમાં સામેલ ફ્રેન્કલીન ટેમ્પલટન તાજેતરમાં અનેક કંપનીઓના પેમેન્ટ ડિફોલ્ટના કારણે આર્થિક સંકટમાં સપડાઈ છે.
Published on: Tue, 04 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer