વૈશ્વિક સ્તરે સોનું ઊંચકાઇને ફરી પટકાયું : સ્થાનિકમાં તેજી યથાવત્ત

અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ.તા.3 : વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ ઐતિહાસિક 1980 ડોલરની ઉંચાઇને સ્પર્શી ગયા પછી ઘટીને 1967 ડોલર પ્રતિ ઔંસ બોલાય રહ્યો હતો. ડોલરમાં ભારેખમ મંદી પછી પ્રત્યાઘાતી સુધારો આવવાને લીધે સોનામાં પણ નરમાઇ જોવા મળી હતી. કોરોના વાઇરસના કેસ વધી રહ્યા છે અને આર્થિક વિકાસ આડે પણ પ્રશ્નાર્થો સર્જાઇ રહ્યા હોવાથી સોનામાં સલામત રોકાણ સાધન તરીકેની ખરીદી સારી છે. 
વિશ્લેષક રોસ નોર્મન કહે છે, ડોલરમાં બે વર્ષની તળિયાની સપાટીએથી સુધારો આવવાને લીધે સોનાની ચમક થોડી ઝાંખી પડી છે. જોકે અત્યારે બજાર કોન્સોલિડેશનના તબક્કામાં છે. ટૂંકા સમયમાં મોટી તેજી થઇ ગયા પછી હાલ બજારમાં ઘટાડાનું નાનું કારણ આવે તો પણ અસર કરશે. છતાં 2000 ડોલરનું સ્તર ઝડપથી જોવા મળશે. આર્થિક આંકડાઓ નબળા આવી રહ્યા છે અને બીજી  તરફ ચીન તથા અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટેન્શનને લીધે સોનાને પ્રિમિયમ મળતું રહેશે. 
ચાલુ વર્ષમાં સોનાના ભાવમાં 30 ટકાની તેજી આવી ગઇ છે. વ્યાજદરો નીચાં છે અને વિવિધ દેશો દ્વારા જાહેર થઇ રહેલા ઉદ્દીપક પેકેજોને કારણે ફુગાવો વધી જવાનો ડર ફેલાયો છે એ કારણે સોનાને તેજી તરફ જવાની ગતિ મળી રહી છે. 
અમેરિકા દ્વારા ઉદ્દીપક પેકેજની જાહેરાત થવાની છે, યુરોપમાં પણ આવી જ સ્થિતિ છે. ભારત પણ ચાલુ સપ્તાહે કોઇ પેકેજ ફરીથી આપી શકે છે. પેકેજોને કારણે બજારમાં લિક્વિડીટી વધશે તો ફુગાવો સર્જાશે એ કારણ પર સોનું ફંડો દ્વારા ખરીદાઇ રહ્યું છે. 
સોનામાં તેજીની અસરથી ચાંદી પણ ઉંચકાઇ છે. ન્યૂયોર્કમાં 24.27 ડોલરની સપાટીએ ચાંદી રનીંગ હતી.  
રાજકોટની બજારમાં સોનાનો ભાવ 10 ગ્રામે રૂા. 100ના સુધારામાં રૂા. 55,500 અને મુંબઇમાં રૂા. 233 વધતા રૂા. 53976 હતો. ચાંદી રાજકોટમાં એક કિલોએ રૂા. 500 ઉંચકાઇને રૂા. 63000 તથા મુંબઇમાં રૂા. 795 વધીને રૂા. 64770 હતી. 
Published on: Tue, 04 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer