લૉકડાઉને લોકોને શીખવ્યા કરકસરના પાઠ

બૅન્ક લોન લેવાને બદલે બચતની એફડી કરવાનું વલણ
મુંબઈ, તા.3 : 8મી મે સુધી છ સપ્તાહના લોકડાઉન દરમિયાન રોકાણકારોએ નવી લોન લેવાના બદલે પોતાની પાસે રહેલી રોકડને બેન્ક એફડીમાં મૂકી અનામત સુરક્ષિત રાખવાનું વધુ પસંદ કર્યું છે.  
બેન્ક એફડીની માત્રા ઉક્ત ગાળામાં 2.8 લાખ કરોડથી વધુ વધી છે જ્યારે બેન્ક લોન આ સમય દરમિયાન 1.2 લાખ કરોડ જેટલી ઘટી હોવાનું રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)એ જાહેર કરેલા આંકડામાં સ્પષ્ટ થયું છે.  
27મી માર્ચે લોકડાઉન શરૂ થયા થોડા ફિવસોમાં બેન્ક ડિપોઝીટ 135.7 લાખ કરોડ હતી તે પખવાડિયા બાદ વધીને 10મી એપ્રિલે 137.1 લાખ કરોડ થઈ હતી. તેના પછીના ઓર એક પખવાડિયા બાદ બેન્ક ડિપોઝીટ્સ વધીને રૂ. 138.5 લાખ કરોડ થઈ હતી જે 27 માર્ચ પછી છ અઠવાડિયામાં 2.8 લાખ કરોડનો વધારો દર્શાવે છે.  
આ ત્રણ પખવાડિયામાં બેન્ક દ્વારા ગ્રાહકોને અપાતી લોનમાં પણ ભારે ઘટ જોવા મળી હતી. 27 માર્ચે બેન્ક લોન 103.7 લાખ કરોડની હતી તે 8મી મે એ 102.5 લાખ કરોડની થઈ હતી જે છ સપ્તાહમાં 1.2 લાખ કરોડનો ઘટાડો દર્શાવે છે.  
બેન્કની આઉટ સ્ટેન્ડિગ ડિપોઝીટ છ સપ્તાહમાં બે ટકા વધી હતી જ્યારે નાણાં વર્ષ 2020માં માર્ચ 27 સુધી તેમાં માત્ર 7.9 ટકાનો વધારો થયો હતો. આ આંકડા સૂચવે છે કે રોકાણકારોએ સુરક્ષિત રોકાણ માટે એફડી ઉપર પસંદગી ઉતારી હતી.  
તે સાથે કરન્ટ અને સાવિંગ્સ ડિપોઝીટ્સ બેલેન્સીસ 1.6 લાખ કરોડ ઘટીને 14.6 લાખ કરોડ થઈ છે.
Published on: Tue, 04 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer