આરબીઆઈએ બૅન્કોના ખાનગીકરણ માટે બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરી

મુંબઈ, તા. 3  : રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)એ સરકાર હસ્તક જાહેર ક્ષેત્રની છ મોટી બેંકોનો મૂડી ભાગ આવતા 12થી 18 મહિનામાં ઘટાડીને 51 ટકા કરવાનું સૂચન કર્યું છે. સરકારના મૂડીરોકાણ છૂટું કરવાના કાર્યક્રમને આ પગલાંથી બળ મળશે, એવું આરબીઆઈનું માનવું છે.  
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ), પંજાબ નેશનલ બેન્ક (પીએનબી), બેન્ક ઓફ બરેડા (બીઓબી), કેનેરા બેન્ક, યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા, અને બેન્ક ઓફ ઇન્ડિયાના નામો આરબીઆઇએ મૂડી ભાગ ઘટાડીને 51 ટકા કરવા માટે સૂચવ્યા છે.  
સરકારે આરબીઆઇના સુચનને સકારાત્મક હોવાનું માન્યું છે, એમ નાણાં મંત્રાલયના એક ટોચના અધિકારીએ જણાવ્યું છે.  
બેન્કિગ ઉદ્યોગમાં આમૂલ પરિવર્તન કરવાના ભાગરૂપે સરકાર હસ્તક અડધાથી વધુ બેંકોનો મહત્તમ મૂડી ભાગ વેચી તેનું ખાનગીકરણ કરશે, એમ સરકાર અને બેન્કિગ ક્ષેત્રના સૂત્રોએ આ અગાઉ જણાવ્યું હતું. યોજનાના પહેલા તબક્કામાં બેન્ક ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક, યુકો બેન્ક, બેન્ક ઓફ મહારાષ્ટ્ર અને પંજાબ એન્ડ સિંધ બેંકમાં સરકાર તેનો મહત્તમ મૂડીભાગ વેચી તેનું ખાનગીકરણ કરશે.  
સરકારની યોજના પોતાના હસ્તક બેન્કોની સંખ્યા ઘટાડીને 4થી 5 કરવાની છે. અત્યારે સરકાર હસ્તક બેન્કોની સંખ્યા 12 છે. બેન્કોના ખાનગીકરણની યોજનાની રૂપરેખા અત્યારે તૈયાર થઈ રહી છે અને તેને મંજૂરી માટે ટૂંક સમયમાં પ્રધાન મંડળ સમક્ષ રજુ કરવામાં આવશે, એમ આ અધિકારીએ જણાવ્યું હતું નાણાં મંત્રાલયે આ વિશે કોઈ ટિપ્પણી આપી નથી. કેટલીક સરકારી સમિતિઓ અને આરબીઆઈએ એવી ભલામણ કરી છે કે ભારતમાં સરકાર હસ્તક  બેન્કોની સંખ્યા પાંચથી વધુ હોવી જોઈએ નહીં. 
આ સાથે સરકારે પણ સ્પષ્ટ કર્યું છે કે હવે વધુ સરકારી બેન્કોનું મર્જર નહિ થાય. તેથી હવે મૂડીભાગ વેચવાનો જ એક માત્ર વિકલ્પ બચે છે, એમ સરકાર હસ્તક બેંકના એક અધિકારીએ જણાવ્યું હતું.  
ગયા વર્ષે સરકારે સરકાર હસ્તક 10 બેન્કોનું ચાર બેંકોમાં વિલીનીકરણ કર્યું હતું. હવે અમે બાકીની બેંકોનો મૂડી ભાગ વેચી તેનું ખાનગીકરણ કરવાનું વિચારી રહ્યા છીએ, હોવાનું આ અધિકારીએ જણાવ્યું હતું.
Published on: Tue, 04 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer