જુલાઈમાં મેન્યુફેક્ચારિંગ પીએમઆઈ ઘટીને 46

નિકાસ ઓર્ડર ઘટતાં ઉત્પાદનને અસર
નવી દિલ્હી, તા. 3 : કોરોના વાયરસના સતત વધી રહેલા કેસીસના કારણે કન્ટેઇનમેન્ટ ઝોનમાં ફરી કડક લોકડાઉન શરૂ થતાં ગત બે માસમાં આવેલો ધીમો સુધારો ફરી ધોવાઈ રહ્યો છે. અનેક એકમો ફરી શરૂ થયા હોવા છતાં મહામારીના કારણે માગમાં ઘટાડો થતાં ફેકટરી ઉત્પાદનને માઠી અસર થઈ છે અને જુલાઈમાં મેન્યુફેક્ચારિંગ પીએમઆઈ ઘટીને 46 અંક થયો છે.  
50 અંકની નીચે અર્થતંત્રમાં સંકોચનનો સંકેત કરે છે જ્યારે 50 અંકથી ઉપર ઇકોનોમીમાં તંદુરસ્તીની નિશાની ગણવામાં આવે છે, એમ સોમવારે જાહેર થયેલા એક ખાનગી બિઝનેસ સર્વેમાં જણાવવામાં આવ્યું છે.  
આઈએચએસ માર્કિટ ઇન્ડિયા મેન્યુફેક્ચારિંગ પર્ચાઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ (પીએમઆઈ) સર્વે મુજબ પીએમઆઈ જૂનના 47.2થી ઘટીને જુલાઈમાં 46 થયો છે. એપ્રિલમાં મેન્યુફેક્ચારિંગ પીએમઆઈ 27.4ના ઐતિહાસિક નીચલા સ્તરે નોંધાયો હતો પણ તે પછી સતત તેમાં ધીમો વધારો થયો હતો.  
સર્વે મુજબ મુખ્ય ઉત્પાદન એકમોને ઉત્પાદનમાં ઘટ અને નવા ઓર્ડર્સમાં પણ ઓટ આવી હોવાનું સ્પષ્ટ થયું છે. પાછલા બે માસમાં જોવા મળેલો ધીમો સુધારો જુલાઈમાં ફરી ઘટી ગયો છે.  
ઉત્પાદન એકમો નવા ઓર્ડર્સ મેળવવામાં મુશ્કેલીનો અનુભવ કરી રહ્યા છે. એકમો પાસે જે કલાઇન્ટ્સ છે તેઓ લોકડાઉનમાં ફસાયેલા છે અને જ્યાં સુધી વાયરસના કેસ ઘટશે નહિ અથવા લોકડાઉન હળવું નહિ ત્યાં સુધી નવા ઓર્ડર્સ મળવા મુશ્કેલ હોવાનું આઈએચએસ માર્કિટના અર્થશાસ્ત્રી એલિયોટ કૅર જણાવે છે.  
માર્ચમાં લોકડાઉન શરૂ થયા બાદ ઉત્પાદન લગભગ ઠપ થઈ ગયું હતું. સમગ્ર વિશ્વમાં અર્થતંત્રને બ્રેક લાગી હતી અને ઉત્પાદન એકમોએ અનેક રોજગારમાં કાપ મુક્યો હતો. હવે બે માસના ધીમા સુધારા બાદ ફરી નવા રોજગાર બંધ થઈ રહ્યા હોવાનું આ સર્વેમાં જણાવવામાં આવ્યું છે.  
સતત ચોથા માસમાં નવા ઓર્ડર્સ ઘટ્યા છે. શ્રમિકોની અને કાચા માલની ગેરહાજરીથી પુરવઠાની ચેઇનને ફરી શરૂ કરવાની મુશ્કેલી ઉદ્યોગોને થઈ રહી છે.  
વિદેશી ગ્રાહકો કોરોના વાયરસની અનિશ્ચિતતાના કારણે નવા ઓર્ડર્સ આપવામાં દ્વિધાનો અનુભવ કરી રહ્યા છે.  
જોકે, ઉત્પાદકો જુલાઈથી આવનારા એક વર્ષમાં બિઝનેસ સારો થવાની આશા ધરાવી રહ્યા હોવાનું આ સર્વેમાં જણાવવામાં આવ્યું છે.
Published on: Tue, 04 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer