નાગપુરની ઈન્સ્ટિટ્યુટ અૉફ માઇનર્સ હેલ્થનું સ્થળાંતર અમદાવાદ કરાતા મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું

મુંબઈ, તા 3 : સમગ્ર રાજ્ય કોરોના સામે લડવામાં વ્યસ્ત છે ત્યારે રાજ્યએ એક મહત્ત્વની કેન્દ્રિય સંશોધન સંસ્થા ગુમાવી છે. નાગપુરસ્થિત ઈન્સ્ટિટ્યુટ અૉફ માઇનર્સ હેલ્થ અને એની લૅબોરેટરીને હવે અમદાવાદની નેશનલ ઈન્સ્ટિટ્યુટ અૉફ અૉક્યુપેશનલ હેલ્થમાં વિલીન કરવામાં આવી છે. દુર્ભાગ્યે મહારાષ્ટ્રના એક પણ સાંસદ કે વિધાનસભ્યએ આ મામલે અવાજ ઉઠાવ્યો નથી. આને કારણે લાખો ખાણના કર્મચારીઓના આરોગ્ય વિષયક મહત્ત્વનું સંશોધન કરતી ઈન્સ્ટિટ્યુટ અૉફ માઇનર્સ હેલ્થ સંસ્થાએ એનો અૉફિસનો કારભાર સમેટી અમદાવાદની વાટ પકડી છે. 
વિદર્ભ દેશના ખાણ ઉદ્યોગનું મહત્ત્વનું કેન્દ્ર હોવાથી તત્કાલીન સરકારે 2002માં ઈન્સ્ટિટ્યુટ અૉફ માઇનર્સ હેલ્થ સંસ્થા નાગપુરમાં હોવી જરૂરી હોવાનું લાગ્યું હતું. કર્ણાટકની કોલાર ખાણમાંથી ખાણના કર્મચારીઓને નાગપુર મોકલાતા હતા. એટલું જ નહીં, ખાણમાં કામ કરનારા લાખો મજૂરોના આરોગ્ય મામલે સંશોધન કરી એનો ઉકેલ શોધવા માટે નાગપુરમાં એક આધુનિક પ્રયોગશાળા બનાવવામાં આવી હતી. આ લૅબ દ્વારા ખાણમાં કામ કરનારા કામદારો અને ખાણની બાજુમાં રહેનારા નાગરિકોના આરોગ્ય પર ત્યાંના અવાજ, વાયુ, જળ પ્રદૂષણની સાથે હવામાંના રજકણો અને જમીનમાં થતા કંપનની કેવી અસર થાય છે એ જાણવાનું કામ છેલ્લા ઘણા વરસોથી આ પ્રયોગશાળા કરી રહી હતી. 
2019માં અચાનક કેન્દ્ર સરકારે ઈન્સ્ટિટ્યુટ અૉફ માઇનર્સ હેલ્થ અને એની પ્રયોગશાળા સહિત અમદાવાદ ખાતેની નેશનલ ઈન્સ્ટિટ્યુટ અૉફ ઓક્યુપેશનલ હેલ્થ સંસ્થામાં વિલીન કરવાનું નક્કી કર્યું. એ અંગેનો પ્રસ્તાવ 2019માં જ કેન્દ્રિય કેબિનેટમાં મંજૂર કરાયો હતો. જોકે એનો અમલ થયો નહોતો. હવે જ્યારે સમગ્ર દેશ કોરોનાને કારણે લૉકડાઉનમાં છે ત્યારે નાગપુરના વાડી પરિસરથી આ મહત્ત્વપૂર્ણ સંશોધન કેન્દ્રની અૉફિસ અને લૅબોરેટરી ખસેડવાનું કામ શરૂ કરાયું. ખાસ કરીને વિદર્ભ અને મધ્ય ભારતમાં આવેલી ખાણના કામદારોની આરોગ્ય વિષયક સમસ્યા જાણી-સમજીને એ અંગેનું સંશોધન અમદાવાદ કે બેંગલુરૂમાં બેસીને કેવી રીતે કરી શકાશે એ પ્રશ્ન હવે પૂછવામાં આવી રહ્યો છે. 
Published on: Tue, 04 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer