ઉદ્ધવ ઠાકરેએ રામ મંદિર ટ્રસ્ટને પત્ર લખ્યો

ઉદ્ધવ ઠાકરેએ રામ મંદિર ટ્રસ્ટને પત્ર લખ્યો
મુંબઈ, તા 3 : અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજનની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. 5 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મંદિર નિર્માણ કાર્યનું ભૂમિપૂજન સંપન્ન થશે. રામ મંદિરના નિર્માણ માટે શિવસેનાએ એક કરોડ રૂપિયાનો ફાળો આપ્યો છે. આ ફાળો મોકલવાની સાથે ઉદ્ધવ ઠાકરેએ રામ મંદિર ટ્રસ્ટને પત્ર મોકલ્યો છે જેમાં મંદિર અંગેની શિવસેનાની ભૂમિકા અને એક કરોડ રૂપિયા કેવી રીતે મોકલ્યા છે એની વિગત જણાવવામાં આવી છે. 
રામ મંદિરના નિર્માણ માટે ઘણા વરસોથી ચાલી રહેલા સંઘર્ષમાં શિવસેનાનું યોગદાન મોટું છે. જ્યારે અયોધ્યાનો વિવાદિત ઢાંચો તોડી પડાયો ત્યારે તમામ રાજકીય પક્ષો એકબીજા પર આક્ષેપ કરી રહ્યા હતા. દરેક જણ જવાબદારીમાંથી છટકી રહ્યા હતા ત્યારે બાળાસાહેબ એક માત્ર નેતા હતા જેમણે કહ્યું હતું કે જો આ કામ શિવસૈનિકોએ કર્યું હશે તો એ અમારા માટે ગર્વની વાત છે. હવે જ્યારે મંદિર બની રહ્યું છે ત્યારે મંદિર ટ્રસ્ટનો મોકલેલા પત્રમાં ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે બાળાસાહેબના આહવાન બાદ હજારો શિવસૈનિકો રામમંદિર આંદોલનમાં ભાગ લીધો હતો.  
થોડા દિવસો અગાઉ પત્રકારોએ રામ મંદિર નિર્માણ ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાળદાસને શિવસેનાનો ફાળો મળ્યો છે કે નહીં એ અંગેનો પ્રશ્ન પૂછતા મહંતે એક પણ રૂપિયો મળ્યો નથી એમ જણાવ્યું હતું. જોકે શિવસેનાએ આ દાવાને નકારી કાઢ્યો હતો અને આજે ઉદ્ધવ ઠાકરેએ પોતે પત્ર લખી સ્પષ્ટતા કરી છે. 
Published on: Tue, 04 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer