કોરોના વીમાના દાવામાં મહિનામાં જ 240 ટકાનો વધારો

કોરોના વીમાના દાવામાં મહિનામાં જ 240 ટકાનો વધારો
મુંબઈ, તા 3 : દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્રીજી ઓગસ્ટના આ સંખ્યા 18 લાખના આંકડાને આંબી ગઈ હતી. દરદીઓની વધતી સંખ્યાને પગલે વીમા કંપનીઓ પાસે હેલ્થ ઇન્શ્યોરંસ સહિત કોરોનાની સારવારના દાવામાં પણ ગયા મહિને 240 ટકાનો વધારો થયો છે. 
જુલાઈના છેલ્લા અઠવાડિયામાં 71,423 જણે કોરોનાની સારવાર માટે વીમા કંપની પાસે 1145.87 કરોડ રૂપિયાનો દાવો કર્યો હોવાનું સામાન્ય વીમા પરિષદે જાહેર કરેલા આંકડાઓમાં દર્શાવાયું હતું. 22 જૂને માત્ર 20,965 લોકોએ 323 કરોડ રૂપિયાનો દાવો કર્યો હતો. પરંતુ અત્યાર સુધીમાં માત્ર 4.08 ટકા લોકોને જ વીમાની રકમ મળી છે. સરેરાશ દાવાની રકમ પ્રતિ વ્યક્તિ 1.60 લાખ રૂપિયા જેટલી છે. કોરોનાને કારણે અત્યાર સુધીમાં 38 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા હોવા છતાં માત્ર 561 મૃતકોના સંબંધીઓએ આયુર્વિમા મહામંડળ પાસે 26.74 કરોડ રૂપિયાના દાવા કર્યા છે. મૃત્યુ બાદ દાવા અંગે આયુર્વિમા મહામંડળ સંવેદનશીલ હોય છે. મૃતકોના પરિવારજનો આર્થિક સહાય માટે મંડળમાં તુરંત અરજી કરે છે. કોરોનાને કારણે મૃત્યુ અંગેના દાવાઓનો પણ તાત્કાલિક નિકાલ લવાય છે અને સંબંધિતોને આર્થિક સહાય કરવામાં આવતી હોવાનું આયુર્વિમા મહામંડળે જણાવ્યું હતું.
Published on: Tue, 04 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer