મંગલપ્રભાત લોઢાની આગેવાની હેઠળ વિધાનસભ્યો રાજ્યપાલને મળ્યા

મંગલપ્રભાત લોઢાની આગેવાની હેઠળ વિધાનસભ્યો રાજ્યપાલને મળ્યા
મુંબઈ, તા 3 : ભારતીય જનતા પક્ષના મુંબઈ પ્રદેશ અધ્યક્ષ મંગલપ્રભાત લોઢાના નેતૃત્ત્ન હેઠળ ભાજપના વિધાનસભ્યોનું પ્રતિનિધિ મંડળ આજે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતાસિંહ કોશિયારીને મળ્યું હતું. એ સાથે તેમણે મહારાષ્ટ્રના તમામ ધાર્મિક સ્થળોને તાત્કાલિક ખોલવાની માગણી કરી હતી. બુધવાર, 5 ઓગસ્ટે અયોધ્યામાં રામમંદિરના ભૂમિપૂજન પ્રસંગે રાજ્યના તમામ મંદિરો નાગરિકો માટે ખુલ્લા રાખવામાં આવે એવો આગ્રહ શિષ્ટમંડળે સેવ્યો હતો. ભાજપની માગણી અંગે રાજ્યપાલે તાત્કાલિક ચીફ સેક્રેટરી સાથે ફોન પર વાત કરી આ માંગણીઓ અંગે તાત્કાલિક નિર્ણય લેવાનો આદેશ આપ્યો હતો. 
મુંબઈ પ્રદેશ અધ્યક્ષ મંગલપ્રભાત લોઢાના નેતૃત્ત્વ હેઠળ રાજ્યપાલને મળવા ગયેલા પ્રતિનિધિ મંડળમાં વિધાન પરિષદના વિરોધ પક્ષના નેતા પ્રવીણ દરેકર, વિજય ભાઈ ગિરકર, યોગેશ સાગર, કાલિદાસ કોળંબકર, સુનીલ રાણે, મનિષાતાઈ ચૌધરી, રાહુલ નાર્વેકર, મિહિર કોટેચા અને પરાગ શાહ સામેલ હતા. 
પ્રવીણ દરેકરે ગણેશોત્સવ નિમિત્તે કોકણ જનારા લોકોને પડતી હાલાકી અંગે રાજ્યપાલ સમક્ષ ફરિયાદ કરી હતી. ઈ-પાસના ગોટાળા, ગામમાં ફરજિયાત ક્વૉરન્ટાઇન, કોકણમાં મેડિકલ સર્વિસની અવ્યવસ્થા, સાર્વજાનિક વાહન વ્યવહારની અનુપસ્થિતિ જેવી અનેક બાબતો અંગે રાજ્યપાલને જાણકારી આપી હતી. ભાજપના વિધાનસભ્યોએ રાજ્યપાલને સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યા મામલે રાજ્ય સરકાર દ્વારા બિહાર પોલીસને સહકાર આપતી ન હોવાની ફરિયાદ પણ કરી હતી. આ મામલે સરકારે કોઈનો પણ બચાવ કરવાને બદલે મુખ્ય ગુનેગારને પકડવામાં સહાય કરવી જોઇએ એવી માગ કરી હતી.

Published on: Tue, 04 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer