વેપારીઓ અને બજારોમાં હર્ષની લહેર

આર્થિક સંકટમાં ફસાયેલા રિટેલ દુકાનદારોને રાહત : દુકાનો રોજ ખોલવાનાં નિર્ણયને જબ્બર આવકાર
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 3 : મુંબઈ મહાનગર પાલિકાએ આખરે શહેરનાં દુકાનદારોને બધી દુકાનો રોજ ખોલવા દેવાની પરવાનગી આપતાં વેપારીઓમાં રાહત અને ખુશીની લાગણી ફેલાઈ છે. કોરોના મહામારીના પગલે છેલ્લા ચાર મહિનાથી કરિયાણાં સિવાય અન્ય રિટેલ દુકાનદારોનાં વેપાર ધંધા પડી ભાંગ્યા છે. તેમને જબ્બર આર્થિક નુકસાન જઈ રહ્યું છે એવામાં તેમને દુકાનો અૉડ ઇવન પ્રમાણે અને ઓછા સમય માટે ખોલવા દેવામાં આવતી હતી. પરિણામે વેપારીઓ તેમની ખર્ચ પણ કાઢી શકતા નહોતા. અનેક વેપારી સંગઠનોએ દુકાનો રોજ ખોલવા દેવાની અને સવારે 9થી સાંજે 7 સુધી ખોલવા દેવાની માગણી એક મહિનાથી કરી રહ્યા હતા જે આજે પાલિકાએ સ્વીકારી હતી.
દુકાનદારોને રાહતનો શ્વાસ : વિરેન શાહ
ફેડરેશન અૉફ રિટેલ ટ્રેડર્સ ઍસોસિયેશનના પ્રમુખ વિરેન શાહે પાલિકાના નિર્ણયને આવકારતાં જણાવ્યું હતું કે છેલ્લા 20 દિવસથી અમે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને મહાપાલિકા સાથે સતત માગણી કરતા રહ્યા હતા કે શહેરની તમામ દુકાનોને સપ્તાહનાં સાતે સાત દિવસ ખોલવાની પરવાનગી આપવામાં આવે કારણ કે મૉલ પણ હવે ખુલી રહ્યા છે.
મુંબઈમાં લગભગ ત્રણ લાખથી વધુ દુકાન છે અને આ નિર્ણયથી દુકાનદારો રાહતનો શ્વાસ લેશે. અગાઉ તેઓ મહિનામાં માત્ર 12 દિવસ જ દુકાન ખોલી શકતા હતા, જે વ્યવહારું નહોતું તેમને નોકરોને પગાર અને દુકાન માલિકોને ભાડું ભરવું પડતું હતું. તેમના ખર્ચ પણ નીકળતા નહોતા.
હવે બધી દુકાનો બધા દિવસોએ સવારે 9થી સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે.
હવે અમે મહારાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ દુકાનો બધા દિવસોએ ખોલવા દેવાની મુખ્ય પ્રધાનને વિનંતી કરી છે. વેપારીઓ સોશિયલ ડિસ્ટન્સિંગનું કડક રીતે પાલન કરશે અને સેનિટાઇઝિંગ સહિતના તમામ તકેદારી આપશે, એમ શાહે જણાવ્યું હતું.
દુકાનદારને રાહત : ચંદ્રકાંતભાઈ ગાલા
બૉમ્બે સબર્બન ગ્રેન ઍન્ડ પ્રોવીઝન ઍસોસિયેશનના મંત્રી ચંદ્રકાંતભાઈ ગાલાએ જણાવ્યું હતું કે અમારી માગણીનો પાલિકાએ છેવટે સ્વીકર કર્યો છે એ ખુશીની વાત છે કારણ કે શહેરના રિટેલ દુકાનદારો છેલ્લા ચાર મહિનાથી આર્થિક સંકટમાં ફસાયા છે. તેમના વેપાર ધંધા પડી ભાંગ્યા છે. તેમાં મહિનામાં માત્ર 12 દિવસ દુકાન ખોલીને તેમને કોઈ વળતર મળતું નહોતું. દુકાનનું ભાડું, માણસોનો પગાર, ટૅક્સ, લાઇસન્સ ફી વગેરેના ખર્ચ નીકળતો નહોતો. હવે રોજ દુકાન ખુલવાથી દુકાનદારો તેમનાં ખર્ચ કાઢી શકશે અને ધીમેધીમે પગભર થઈ શકશે.
રિટેલરોને રાહત : વિનેશ મહેતા
રાજ્યનાં અનેક વેપારી સંગઠનોનું પ્રતિનિધિત્વ કરતાં ફેડરેશન અૉફ ઍસોસિયેશન્સ અૉફ મહારાષ્ટ્ર (ફામ)ના પ્રમુખ વિનેશ મહેતાએ પણ પાલિકાના આ નિર્ણયને આવકાર્યો હતો અને કહ્યું હતું કે આર્થિક મુશ્કેલીમાં ફસાયેલા રિટેલરોને હવે રાહત મળશે.
તેમણે કહ્યું હતું કે દુકાનો બધા દિવસોએ ખુલ્લી રાખવાના માગણીસર અમે ગત સપ્તાહમાં જ રાષ્ટ્રવાદી કૉંગ્રેસના પ્રમુખ શરદ પવારને મળ્યા હતા અને તેમણે આ માગણી અંગે ઘટતું કરવાની ખાતરી આપી હતી. છેવટે દુકાનદારોને રાહત થાય એવો નિર્ણય લેવામાં આવ્યો છે એ આનંદની વાત છે. વેપારીઓ હવે રોજ દુકાન ખોલીને તેમનાં ખર્ચ કાઢી શકશે.
હિન્દમાતા બજારનો આવકાર : દિનેશ ત્રિવેદી
ન્યૂ હિન્દમાતા કલોથ મર્ચન્ટ એસોસિયેશનના પ્રમુખ દિનેશ ત્રિવેદીએ જણાવ્યું કે બન્ને બાજુની દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય ખરેખર આવકાર્ય છે. તેનાથી બજારના વેપારીઓમાં ખુશીની લહેર ઊઠી છે. ઓડ-ઈવન સિસ્ટમથી ઘરાકોને મૂંઝવણ થતી હતી. જે વસ્તુ જોઈતી હોય તે મળે નહીં. ઘણીવાર બે ધક્કા ખાવા પડે. હજુ સરકારે લોકલ ટ્રેન ચાલુ કરવા વિચારવું જોઈએ, કારણ કે ગ્રાહકને સ્પેશિયલ વાહન કરીને બજારમાં આવવાનું પરવડે નહીં.
લોકલ ટ્રેન ચાલુ કરો : અનિલ ધરોડ
અનિલભાઈ ધરોડ (બન્ઝારા - બોરીવલી)એ પ્રતિભાવ આપતા જણાવ્યું કે બજાર અડધી બંધ રહેતી હતી. તેથી લોકોને એવો ભય રહેતો કે અહીં કોરોનાનો વ્યાપ વધારે હશે. ઈદ અને રક્ષાબંધનના બજારો ખુલ્લી હતી. તેથી લોકો ખરીદી માટે નીકળ્યા હતા અને હોંશેહોંશે ખરીદી કરી હતી. એક સવાલ છે કે ખરીદદારો બજાર સુધી પહોંચે કેવી રીતે? એટલે રિક્ષા, ટૅક્સી અને લોકલ ટ્રેનને ચાલુ કરવી જોઈએ. કોરોનાની બીકમાંથી લોકો બહાર આવે એ માટે વડા પ્રધાન અને મુખ્ય પ્રધાને ટેલિવિઝન પર લોકોમાં જાગૃતિનો સંદેશો આપવો જોઈએ કે ચાર મહિના ટ્રેનિંગ લીધી છે. હવે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરવું વગેરેની જવાબદારી સમજીને પાલન કરે.
વેપાર-ધંધા વધશે : રમેશ છેડા
લાલબાગમાં ફરસાણ અને અનાજના વેપારી રમેશ ડી. છેડાએ જણાવ્યું કે સરકારના નિર્ણયને આવકારતા જણાવ્યું કે બજાર નોર્મલ થવાથી વેપાર વધશે. વેપારીઓ આર્થિક મુશ્કેલીમાં છે. તેમને રાહત થશે. માત્ર 12 દિવસ દુકાન ખૂલવાથી નોકરિયાતોને પગાર ચૂકવવામાં મુશ્કેલી થતી હતી. નાનો વર્ગ વધુ મુશ્કેલીમાં હતો તેને રાહત થશે. બસમાં ગિરદી થાય છે, જે ન થાય એ માટે રિક્ષા-ટૅક્સીને વધુ છૂટ આપવી જોઈએ.
લોકોને રોજગાર મળશે : બાબુભાઈ
અગ્રણી વેપારી અને પૂર્વ ઉપમેયર બાબુભાઈ ભવાનજીએ જણાવ્યું કે બજારો ખૂલવાથી લોકોને રોજગાર મળશે. લોકો ખરીદારી માટે નીકળશે. તેમણે મહામારીમાં સરકારના નિયમોનું પાલન કરવાનું રહેશે. લોકલ ટ્રેનમાં રેલવે અને મ્યુનિસિપલ કર્મચારીને છૂટ આપી છે તેમાં પત્રકારો-વકીલોને પરવાનગી આપવી જોઈએ. બધા માટે અનુકૂળ સમય ગોઠવવામાં આવે તો ટ્રેનમાં ગિરદી નહીં થાય.
મહારાષ્ટ્ર સરકારનો આભાર : ફેડરેશન અૉફ રિટેલ કલોથ ડીલર્સ ઍસોસિયેશન 
આજે સરકારે જે નવું નોટિફિકેશન બહાર પાડી મુંબઈનાં ત્રણ લાખ વેપારીઓને દુકાનો, શાપિંગ કોમ્પ્લેક્ષ તથા મોલની દુકાનોને પણ રોજ ખુલ્લી રાખવાની પરવાનગી આપી બહુ મોટી રાહત આપી છે તે બદલ ફેડરેશન અૉફ મુંબઈ રિટેલ ક્લોથ ડીલર્સ ઍસોસિયેશનનાં માનદ મંત્રીઓ શૈલેષ ત્રિવેદી અને હરેન મહેતાએ સરકારનો ખાસ તો મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને એનસીપીના વડા શરદ પવાર તથા બીએમસીનો આભાર માન્યો હતો.  મહિનાના 12 દિવસ દુકાનો ખુલ્લી રાખવામાં વેપારીઓને, તેમના ગ્રાહકોને અને સ્ટાફને બહુ તકલીફો પડતી હતી અને આર્થિક નુકસાન પણ જતું હતું. ઘણી દુકાનો બંધ થવાની તૈયારીમાં હતી તો હવે અમને આશા છે કે વેપારીઓ હવે શાંતિથી ધંધો કરી શકશે અને આપણું મુંબઈ શહેર પણ ધીરે ધીરે પાટા પર આવતું જશે અને ફરીથી પહેલાંની જેમ ધમધમવા લાગશે. વેપારીઓએ કોરોના મહામારી રોકવા માટે સરકારે આપેલા દરેક નિર્દેશોનું પાલન કરવું પડશે.
મંગલદાસ માર્કેટમાં હર્ષોલ્લાસ
મંગલદાસ માર્કેટના વેપારીઓ?ભરત ઠક્કર અને જયેશ દાવડાએ આનંદ વ્યક્ત કરતાં કહ્યું હતું કે આપણા દેશમાં કોરોના મહામારીથી બચવા માટે સરકાર દ્વારા જે નિર્દેશો કરાયા હતા તે પ્રમાણે મંગળદાસ માર્કેટના વેપારી ભાઇઓએ છેલ્લા ચાર મહિનાથી પોતાની દુકાન બંધ રાખી હતી હવે મુન્સીપલ કોર્પોરેશન દ્વારા જારી કરાયેલા સર્ક્યુલર પ્રમાણે વેપારીઓની દુકાન 5 ઓગસ્ટથી ખુલશે જેને કારણે વેપારીઓમાં હર્ષની લાગણી ફેલાઇ રહી છે અને વેપારીઓને લાગી રહ્યું છે કે ધીમે ધીમે ફરીથી વેપાર-ધંધા શરૂ થશે અને બજારો ફરીથી ધમધમતા થશે અત્યારે અમારી માર્કેટો એકી બેકી તારીખો પ્રમાણે ખુલતી હતી તે માટે માર્કેટ એસોસિએશને પુરી તકેદારીથી વેપારીઓ ફરી કામ ધંધા કરી શકે તે માટે અથાગ પ્રયત્ન કર્યો છે અને કોર્પોરેશન દ્વારા જારી કરાયેલા નિર્દેશ પ્રમાણે સેનેટાઈઝ કરીને વેપારી અથવા ગ્રાહકોને માર્કેટમાં પ્રવેશ આપવા માટેના બધા જ યોગ્ય પગલા ભરવામાં આવ્યા છે. આ મહામારીમાં છેલ્લા ચાર મહિનામાં વેપારીઓના ખુબ જ નુકસાન ભોગવવું પડ્યું છે જે આપ સર્વે જાણો છો.
મુંબઈ ફરી ધમધમશે : દિલિપ માહેશ્વરી
બોમ્બે બેન્ગલ્સ મર્ચંટ અસોસિયેશનના ઉપપ્રમુખ દિલિપ માહેશ્વરીએ જણાવ્યું હતું કે પાંચમી ઓગસ્ટથી મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ મહાનગરપાલિકા દ્વારા દુકાનો રોજ સવારે નવથી સાંજના સાત વાગ્યા સુધી ખુલ્લી રાખવાની પરવાનગી આપવામાં આવી છે, જેનું મુંબઈના તમામ વેપારી સમુદાય દ્વારા સ્વાગત છે. આ માંગ લાંબા સમયથી થઈ રહી હતી. રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને મહાનગર પાલિકાના કમિશનર ઇકબાલાસિંહ ચહલના નિર્ણયને અમે આવકારીએ છીએ. 
દૈનિક માલ-સામાનની અવરજવરને કારણે વેપારીઓ મુંબઇની બજારો ફરીથી ધમધમતી થશે. ખરેખર સરકારનો આ નિર્ણય ઉદ્યોગપતિઓ અને વેપારીઓના હિતમાં છે. તમામ વેપારીઓ વતી ખાસ કરીને ફામ અને રાજ પુરોહિત જેવા નેતાઓના આભારી છીએ, જેમણે વેપારી સમાજની સમસ્યાઓ સરકાર સમક્ષ યોગ્ય રીતે રજૂ કરી હતી.
Published on: Tue, 04 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer