ઊંચા વેરાથી ત્રસ્ત ટોયોટા મોટર ભારતમાં વિસ્તરણ નહીં કરે

ઊંચા વેરાથી ત્રસ્ત ટોયોટા મોટર ભારતમાં વિસ્તરણ નહીં કરે
નવી દિલ્હી, તા. 15 (એજન્સીસ) : કોરોના વાઈરસની મહામારી વચ્ચે અર્થતંત્રને ફરી પાટે ચઢાવવા માટે એક તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિદેશી કંપનીઓને ભારતમાં રોકાણ કરવા માટે આકર્ષી રહ્યા છે, ત્યારે દેશની ઊંચી વેરા પ્રણાલીથી કંટાળીને ટોયોટા મોટર કોર્પેએ ભારતમાં વિસ્તરણની યોજના હાથ નહીં ધરવાનો નિર્ણય લીધો છે. 
કેન્દ્ર સરકારે વિદેશી કંપનીઓને ભારતમાં રોકાણ કરવા માટે 23 અબજ ડૉલરના લાભ જાહેર કર્યા છે જેમાં અૉટો ક્ષેત્ર માટે પણ ઉત્પાદન સાથે સંકળાયેલા વિવિધ લાભનો સમાવેશ થાય છે. કારના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં ચોથા ક્રમે આવતો સૌથી મોટો દેશ છે.પરંતુ વિશ્વના કાર ઉત્પાદકોને અહીંના પરંપરાગત ઈંધણ આધારિત વાહનોના ઉપયોગના કારણે વિકાસ સાધવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સરકાર કાર અને મોટર બાઇક ઉપર સતત વેરો વધારતી હોવાથી ઉત્પાદક કંપનીઓ માટે વિકાસ સાધવો અત્યંત મુશ્કેલ હોવાનું ટોયેટા કિર્લોસ્કર મોટરના સ્થાનિક એકમના વાઇસ ચેરમેન શેખર વિશ્વનાથને જણાવે છે. ઊંચા વેરાના કારણે અનેક ગ્રાહકો કાર ખરીદવાથી દૂર રહે છે, તેનો અર્થ એ થયો કે ફેક્ટરીઓમાં કામ નથી અને રોજગારો નિર્માણ થતાં નથી, એમ તેમણે ઊમેર્યું હતું.
અમે અહીં આવ્યા અને ભારે રોકાણ કર્યું તે પછી મેસેજ એવો મળી રહ્યો છે કે `અમને હવે તમારી જરૂર નથી', એમ તેમણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું. 
કોઇપણ જાતના નીતિવિષયક સુધારાની ગેરહાજરીમાં અમે અહીંથી દેશ છોડી જવા નથી પણ તે સાથે અમે વિકાસ હાંસલ પણ કરી શકવાના નથી, એમ તેમણે ખેદ સાથે જણાવ્યું હતું. 
ભારતમાં  મોટર વ્હિકલમાં કાર, ટુ વ્હિલર્સ અને એસયુવી ઉપર 28 ટકા જેટલો ઊંચો વેરો છે. તે સાથે કારના પ્રકાર, એન્જિનની ક્ષમતા અને અન્ય બાબતોના આધારે ટૅક્સ વધીને 50 ટકા સુધી વસૂલ થાય છે. ફોર્ડ અને જનરલ મોટર્સ કંપનીઓએ પણ ઊંચા વેરાના કારણે વેચાણ ઘટતાં તેમના ભારતીય ઉત્પાદન એકમો બંધ કરવાનો નિર્ણય લીધો હતો.
Published on: Wed, 16 Sep 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer