ડૉલર નબળો પડતા સોના-ચાંદીમાં સુધારો

ડૉલર નબળો પડતા સોના-ચાંદીમાં સુધારો
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા.15 : સોનાનો ભાવ વૈશ્વિક બજારમાં બે અઠવાડિયાની ટોચ પર પહોંચ્યો હતો. ફેડરલ રિઝર્વ દ્વારા નાણાનીતિ મજબૂત બનાવવામાં આવશે તેવી અપેક્ષા હોવાને લીધે ડોલરના મૂલ્યમાં નબળાઇ આવવાથી સોનાનો 
ભાવ 1971 ડોલર સુધી ઉંચકાઇ ગયો હતો. ચાંદી પણ સોનાની પાછળ ખેંચાઇને 27.52 ડોલર રહી હતી. 
ફેડની નાણાનીતિને લીધે સોનાને ટેકો મળ્યો છે તેમ સાક્સો બેંકના ઓલ હેનસેન કહે છે.ડોલર ઇન્ડેક્સ નબળો પડ્યો છે એટલે રોકાણકારો માટે સોનાનું આકર્ષણ ઘટ્યું છે. ફેડની નાણા નીતિ માટેની બેઠક મંગળવારથી શરું થઇ છે. જેની મહત્વની જાહેરાતો આવતીકાલે થશે એટલે તેનીરાહ જોવાઇ રહી હતી. 
ફેડ દ્વારા કેટલો સમય સુધી વ્યાજદરો નીચી સપાટીએ જાળવી રખાશે અને ફુગાવાની ભાવિ ચાલ કેવી હશે તે અંગે ફેડના નિવેદનને મહત્વનું માનવામાં આવે છે. ચાલુ વર્ષમાં સોનાના ભાવમાં 29 ટકાની તેજી આવી ગઇ છે. ભાવ 2000 ડોલરની ટોચ વટાવીને 1950 આસપાસ અથડાઇ રહ્યા છે.  
રાજકોટની ઝવેરી બજારમાં ખાનગીમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રૂા. 500ના સુધારામાં રૂા. 52100 અને ચાંદી એક કિલોએ રૂા. 1100 વધતા રૂા. 63300 રહી હતી. મુંબઇમાં સોનાનો ભાવ રૂા. 499ના સુધારામાં રૂા. 51893 અને ચાંદીનો ભાવ એક કિલોએ રૂા. 1535 ઉંચકાઇને રૂા. 66758 રહ્યો હતો.
Published on: Wed, 16 Sep 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer